યુદ્ધ મુદ્દે ટ્રમ્પ-ઝેલેન્સ્કી વચ્ચે વાગ્યુદ્ધ!

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચ વાગ્યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ ઝેલેન્સ્કીને ‘સરમુખત્યાર’ કહ્યા છે. ટ્રમ્પે ઝેલેન્સ્કી પર રશિયા-યુક્રેન યુદ્ધને ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં, પ્રથમવાર ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિને મામૂલી કોમેડિયન કહ્યા હતા.

ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘જરા વિચારો, એક મામૂલી સફળ કોમેડિયન વોલોદિમીર ઝેલેન્સ્કીએ અમેરિકાને 350 અબજ ડોલર ખર્ચ કરાવી દીધા, એ પણ એક એવા યુદ્ધ માટે જે ક્યારેય થવું જોઈતું નહોતું અને જેને જીતી શકાય તેમ નહોતું. જો અમેરિકા અને ‘ટ્રમ્પ’ ન હોત તો ઝેલેન્સ્કી આનો કોઈ ઉકેલ ક્યારેય લાવી શક્યા ન હોત.

ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેન પર નિશાન સાધતા કહ્યું કે તેઓ સૂતા રહ્યા અને તેમણે યુરોપ સાથે નાણાંના ખર્ચ અંગે બરાબરીની વાત ન કરી. અમેરિકાએ યુરોપ કરતાં 200 અબજ ડોલર વધુ ખર્ચ કર્યા છે.

ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે ઝેલેન્સ્કીએ પોતે સ્વીકાર્યું છે કે અમેરિકા પાસેથી મળેલી આર્થિક મદદનો અડધો હિસ્સો ગાયબ થઈ ગયો છે. તેમણે ઝેલેન્સ્કી પર ચૂંટણી ન યોજવાનો પણ આરોપ લગાવ્યો અને કહ્યું કે યુક્રેનમાં તેઓ અત્યંત અપ્રિય થઈ ગયા છે. ટ્રમ્પે લખ્યું, ‘ઝેલેન્સ્કીએ ચૂંટણી યોજવાનો ઈનકાર કરી દીધો, યુક્રેનના પોલમાં તેમનું પ્રદર્શન નબળું રહ્યું, અને એકમાત્ર ચીજ કે જેમાં તેઓ સારા હતા, તે-બાઈડેનને વાજાંની જેમ વગાડવા. ઝેલેન્સ્કી એક સરમુખત્યાર છે, જેઓ ચૂંટણી યોજવાનો ઈનકાર કરી રહ્યા છે. તેમણે જલદી પગલાં લેવા પડશે નહીંતર તેમની પાસે દેશ પણ નહીં બચે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *