અમેરિકા અને ઇઝરાઇલ દ્વારા ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે ગલ્ફ દેશોમાંથી આયાત થતા પ્લાસ્ટિકના દાણાના રોમટીરીયલની અછત સર્જાઈ છે અને તેને કારણે ઉનાળા વખતે જ પીવાના પાણીની બોટલના કેરેટના ભાવમાં રૂ.15નો વધારો થયો છે. 500 MLની 24 બોટલના એક કેરેટના રૂ.75થી વધારી રૂ.90 તો 1 લિટરની 12 બોટલના એક કેરેટના રૂ.60થી વધારી રૂ.75 થયો છે. જેને લીધે પીવાના પાણીની સિંગલ બોટલના ભાવમાં વધારાની શક્યતા સેવાઇ રહી છે.
રાજકોટના બિસ્વિન બેવરેજિસના સંચાલક શૈલેષભાઈ ભુતે જણાવ્યુ હતું કે, અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે પેકેજ ડ્રીન્કિંગના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને કારણે હાલમાં પાણીની બોટલના કેરેટ પર રૂપિયા 15નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. હાલ ઉનાળાના કારણે 500 ML અને 1 લિટર પાણીની બોટલના કેરેટની ડિમાન્ડ વધુ રહે છે. પહેલા 1 લિટર કેરેટનો ભાવ રૂ.60 હતો જેના રૂ.85 કરવા પડે તેવી પરિસ્થિતિ છે. જોકે તેમાં રૂ.75 કર્યા છે. એક કેરેટમાં 12 બોટલ આવે છે. જ્યારે 500 ML પાણીની બોટલના એક કેરેટના પહેલા રૂ.75 હતા જે રૂ.100 કરવો પડે તેવી પરિસ્થિતિ છે. જોકે તેના રૂ.90 કરવા પડ્યા છે.
તેમણે જણાવ્યું કે, હાલ પેકેજ ડ્રિંકિંગ વોટરની સપ્લાય ખૂબ જ ઓછી આવે છે. પૈસા આપતા પણ માલ મળતો નથી અને સામે ગ્રાહકોને પૂરો માલ આપી શકતા નથી. રાજકોટ શહેરમાં આ પ્રકારના 20 જેટલા યુનિટ છે. જ્યારે જિલ્લામાં યુનિટની સંખ્યા વધારે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્લાસ્ટિકનું રો મટીરીયલ બધું ગલ્ફ કન્ટ્રીમાંથી આવે છે. પેટ્રોકેમિકલની શોર્ટ સપ્લાયને લીધે વોટર પેકેજીંગ બિઝનેસને ગંભીર અસર પહોંચે છે. રો મટીરીયલ નો ભાવ બમણો થઈ ગયો છે. જ્યારે પાણીની સિંગલ બટન બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, હાલ પાણીની મોટી બોટલના રૂ.20 અને પાણીની નાની બોટલના રૂ.10 યથાવત છે. જેમાં પણ ભવિષ્યમાં ભાવ વધારો કરવો પડે તેવી પરિસ્થિતિ છે. અમારા ગ્રાહકો પાન સહિતના નાના દુકાનદારો હોય છે અને તેઓને આ ભાવ વધારો પોષાય તેમ નથી.