જાણીતા યુટ્યુબર બન્ની ગજેરાની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા દ્વારા તૈયાર કરવામાં આવેલી પાસા દરખાસ્તને જિલ્લા કલેકટર ઓમ પ્રકાશ દ્વારા મંજુર કરવામાં આવતા રાજકોટ જિલ્લા LCB ટિમ દ્વારા બન્ની ગજેરાની અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, બન્ની ગજેરા વિરુદ્ધ રાજકોટ જિલ્લામાં પાંચ અને અમદાવાદમાં એક મળી કુલ છ ગુના નોંધાઈ ચુક્યા છે જેમાં એટ્રોસિટી, અશોભનીય ટિપ્પણી કરી વીડિયો વાઇરલ કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટ જિલ્લામાં વારંવાર અલગ અલગ પ્રકારના ગુના આચરતા શખસો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહએ આપેલ સૂચના આધારે કડક અને અસરકારક અટકાયતી પગલા લઇ રાજકોટ ગ્રામ્ય LCB પીઆઇ વી.વી.ઓડેદરા દ્વારા રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં એટ્રોસીટી એકટ, ખંડણી માગવી તથા બદનક્ષીકારક વીડિયો બનાવી વાઇરલ કરવાના અલગ અલગ ગુના આચરનાર ભાવિન ઉર્ફે બન્ની ગજેરા (ઉ.વ.29) વિરૂધ્ધ ગુજરાત અસામાજીક પ્રવૃતિઓ પ્રતિબંધક અધિનિયમ-1985 “પાસા”ના કાયદા હેઠળની પ્રપોઝલ તૈયાર કરી જિલ્લા કલેકટરને મોકલતા રાજકોટ જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશ દ્રારા “પાસા” પ્રપોઝલ મંજુર કરી આરોપીને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા હુકમ કરતા પાસા હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.