રાજકોટ માર્કેટ યાર્ડમાં સતત બીજા દિવસે કમિશન એજન્ટોએ સજ્જડ હડતાળ પાડતા કરોડો રૂપિયાનો વેપાર ખોરવાયો હતો. જે.કે. ટ્રેડિંગ કંપનીના નામે વેપાર કરતાં ઢોલરિયાબંધુ હજુ પણ ન પકડાતા વેપારીઓ ગુરુવારે પણ વેપારથી અલિપ્ત રહ્યા હતા.
બેડી યાર્ડ ખાતે જીરુંનો વેપાર કરતાં જે.કે. ટ્રેડિંગ કંપની નામની પેઢીના માલિક ઢોલરિયાબંધુએ ગત સપ્તાહે 145 જેટલા વેપારીને રૂ.17.19 કરોડનો ધુંબો મારી દેતાં પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. જોકે હજુ સુધી આ પ્રકરણમાં પોલીસે ગુનો નોંધ્યો નથી. બીજીબાજુ યાર્ડના કમિશન એજન્ટ એસોસિએશને જ્યાં સુધી આરોપીબંધુ ન પકડાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળનું એલાન આપ્યું છે અને તે મુજબ ગુરુવારે પણ કમિશન એજન્ટો સોદાથી અલિપ્ત રહેતા હરાજી સહિતની કામગીરી અટકી પડી હતી. આ મુદ્દે યાર્ડના ચેરમેન જયેશ બોઘરાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં વેપારીઓએ પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે અને આરોપીઓ પકડાઇ જાય ત્યારબાદ વેપાર શરૂ કરવાની એજન્ટોએ જાહેરાત કરી છે, પરંતુ જો બે દિવસમાં આરોપી બંધુઓ ન પકડાય તો ખેડૂતોને હેરાનગતિ ન થાય તે માટે પણ કમિશન એજન્ટોને સમજાવવા અને યાર્ડની સ્થિતિ થાળે પાડવા પ્રયાસ કરાશે.