રાજકોટના સર્વેશ્વર ચોકમાં બે વર્ષ પહેલા બનેલી દુર્ઘટનાને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા દ્વારા હયાત વોંકળા પર નવા બોક્સ કલવર્ટ બનાવવાનો પ્રોજેક્ટ અમલી કર્યો હતો અને તેની કામગીરી માટે આશરે છ માસથી સર્વેશ્વર ચોક પાસે બન્ને બાજુ પતરા બાંધી દઇ ડો. યાજ્ઞિક રોડનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેના પરિણામે છેલ્લા ઘણા સમયથી પ્રજાજનો અને વેપારીઓ ભારે હાલાકી અનુભવી રહ્યા છે ત્યારે હવે મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા પ્રજાજનોને જન્માષ્ટમીએ રાહત આપવા મન બનાવી લેવામાં આવ્યું છે અને 15 ઓગસ્ટ પૂર્વે જ યાજ્ઞિક રોડને ખુલ્લો મૂકી દેવાનો નિર્ણય કર્યો છે.
રાજકોટના હાર્ટ સમા યાજ્ઞિક રોડ પર છેલ્લા છ માસથી બોકસ કલવર્ટની કામગીરીને કારણે રસ્તો બંધ કરાતા દરરોજ હજારો વાહનચાલકોને હેરાનગતિ ભોગવવી પડે છે અને હવે જ્યારે જન્માષ્ટમીના તહેવારો આવી રહ્યા હોય યાજ્ઞિક રોડની રોનક પાછી ફરે તેવા સંકેતો મળી રહ્યા છે.
વોર્ડ નં.7માં સર્વેશ્વર ચોકથી યાજ્ઞિક રોડને જોડતા હયાત વોંકળો ડાયવર્ટ કરી નવું બોક્સ ક્લવર્ટ કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે અને મેઘરાજાએ વિરામ લેતા જ કોન્ટ્રાક્ટરો દ્વારા સ્લેબ ભરવાની કામગીરી પૂરી કરી લેવામાં આવી હતી. સર્વેશ્વર ચોકમાં દર વર્ષે ગણેશ મહોત્સવની પણ ભવ્ય ઉજવણી થતી હોય વહેલામાં વહેલી તકે આ ચોક ખુલ્લો મુકવા માગણી ઉઠી હતી.
આથી યાજ્ઞિક રોડ પર સ્લેબ ભરાયા બાદની સ્થિતિના અભ્યાસ માટે મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર, દંડક મનીષ રાડિયા સહિતના પદાધિકારી અને નાયબ કમિશનર હર્ષદ પટેલ, સિટી એન્જિનિયર અતુલ રાવલ સહિતનાએ સાઇટ વિઝિટ કરી હતી અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. હાલમાં 85 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ ગઇ છે ત્યારે યાજ્ઞિક રોડને 15મી ઓગસ્ટ પૂર્વે ખુલ્લો મુકી દેવાશે.