મ્યુ. ફંડ હાઉસે નિફ્ટી 50 ઇટીએફ પરના ખર્ચના ગુણોત્તરમાં ઘટાડો કર્યો

મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણકારોની વધતી રૂચિને ધ્યાનમાં રાખતા કેટલાક મ્યુચ્યુઅલ ફંડ હાઉસે નિફ્ટી 50 એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs) પરના ખર્ચના ગુણોત્તરને ઘટાડ્યો છે, તેનાથી ટ્રેકિંગની ભૂલ ઘટશે અને રોકાણકારોને પણ વધુ રિટર્ન મળશે. ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડે તેની નિફ્ટી 50 ઇટીએફ સ્કીમ પરના ખર્ચના ગુણોત્તરને 0.05%થી ઘટાડીને 0.0279% કર્યો છે, જે નિફ્ટી 50 ઇટીએફ સેગમેન્ટમાં અન્ય હરીફોની તુલનામાં સૌથી ઓછો ગુણોત્તર છે.

માર્કેટની વ્યાખ્યા પ્રમાણે, ટોટલ એક્સપેન્સ રેશિયો અથવા TERએ કુલ ખર્ચ છે જે સ્કીમ દ્વારા ચાર્જ કરવામાં આવે છે. થોડાક સમય પહેલા નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે પણ ઇટીએફ 50 BeESના ગુણોત્તરને 0.037 ટકા કર્યો છે. નિપ્પોન મ્યુ.ફંડ દ્વારા ખર્ચના ગુણોત્તરમાં ઘટાડા બાદ ICICI પ્રુડેન્શિયલ દ્વારા ખર્ચના ગુણોત્તરને ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નિપોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે ઇટીએફ એસ એન્ડ પી બીએસઇ સેન્સેક્સ સ્કીમ પરના TERમાં પણ ઘટાડો કર્યો હતો.

આ કેટેગરીમાં અન્ય નોંધપાત્ર નામમાં એસબીઆઇ નિફ્ટી 50 ઇટીએફ, યુટીઆઇ નિફ્ટી 50 ઇટીએફ અને નિપ્પોન ઇન્ડિયા ઇટીએફ નિફ્ટી 50 BeES છે જેનો ખર્ચનો ગુણોત્તર અનુક્રમે 0.07 ટકા, 0.06 ટકા અને 0.04 ટકા છે. ઇટીએફમાં રોકાણ કરતી વખતે સૌથી ઓછો ખર્ચનો ગુણોત્તર ધરાવતી સ્કીમમાં રોકાણ કરવું હિતાવહ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *