મોસમની પ્રતિકૂળતાથી થતું નુકસાન ટાળવા બાલાપરના ખેડૂતોએ અપનાવ્યો નવો માર્ગ

જામકંડોરણા તાલુકાનું બાલાપર ગામ આજે ખેતી સાથે રોજગારીનું અનોખું મોડેલ બની રહ્યું છે. મરચાના ઉત્પાદન માટે જાણીતા આ ગામે હવે નર્સરી આધારિત ખેતી અપનાવીને ખેડૂતો માટે આવકનો નવો રસ્તો ઉભો કર્યો છે.

રાજ્ય સરકારના બાગાયત વિભાગની સહાયથી ગામમાં કુલ 15 નર્સરી ઉભી કરાઇ છે, જેના કારણે ખેડૂતોને સ્વરોજગાર સાથે આધુનિક ખેતીનો લાભ મળી રહ્યો છે. બાલાપર ગામમાં મરચાનું વાવેતર મુખ્ય પાક તરીકે ઓળખાય છે. અહીંના સાન્યા અને રેવા જાતના મરચા દેશભરમાં પ્રસિદ્ધ છે.

અગાઉ મરચાના બિયારણ સીધા ખેતરમાં વાવતાં તાપમાન કે અનુકૂળ વાતાવરણના અભાવે પાકને નુકસાન થતું હતું. પરંતુ હવે નર્સરી ડોમની મદદથી 30થી 40 દિવસમાં ગુણવત્તાયુક્ત અને જીવાતમુક્ત રોપા તૈયાર થઈ જાય છે. બાગાયત વિભાગ દ્વારા વર્ષ 2023-24 દરમિયાન બાલાપર ગામમાં નર્સરી અને સ્ટાર્ટર કિટ માટે કુલ રૂ. 33.89 લાખની સહાય ચૂકવવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતને સ્ટ્રક્ચર અને સાધનો માટે 65 ટકા સુધી સહાય આપવામાં આવે છે.

બિયારણ બગડવાનો ભય સાવ નિર્મૂળ ખેડૂત હિતેશભાઈ રાણપરીયા જણાવે છે કે નર્સરીના કારણે હવે બિયારણ બગડવાનો ભય ઘટ્યો છે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. ધર્મેન્દ્રભાઈ ગીણોયા જણાવે છે કે નર્સરી ડોમના કારણે બિયારણની ખપત 40 ટકા ઘટી છે અને પાકની ગુણવત્તામાં પણ વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *