રાજકોટના મોરબી રોડ પરની ટીપી સ્કીમ નં.14ના મુદ્દે ખાતેદાર ખેડૂતોનું ટોળું બુધવારે બપોરે મનપામાં ધસી આવ્યું હતું અને મેયર નયનાબેન પેઢડિયાને ટીપી સ્કીમ પ્રિલિમિનરી મંજૂર થઇને આવી ગયાને મહિના કરતાં વધુ સમય વીતી જવા છતાં કબજા, રોજકામ ફેરફાર મામલે કોઇ કાર્યવાહી નહીં થતા આ બાબતે ઉગ્ર રજૂઆત કરી
આવેદનપત્ર પાઠવીને ટીપી સ્કીમ નં.14ના વિસ્તારોમાં નળ, ગટર, રસ્તા, લાઇટ સહિતની સુવિધાઓ આપવા માગણી કરી હતી. આવેદનપત્રમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, મોરબી રોડ વિસ્તારની ટીપી સ્કીમ નં.14 રાજકોટમાં કબજા કામ કરવા, ટીપી રોડ પાકા ડામર રોડ કરી આપવા, તેમજ રોડ ખુલ્લા કરવા,
ટીપી રોડ પર સ્ટ્રીટલાઇટ નાખવી, ટીપીના તમામ રોડ પર વૃક્ષારોપણ કરવા, ટીપીના ગાર્ડન હેતુના રિઝર્વેશન પ્લોટ બાગ બગીચા ડેવલપ કરી આપવા તેમજ ટીપી સ્કીમ એરિયામાં ભૂગર્ભ ગટર અને પીવાના પાણી માટે નળ કનેક્શન આપવા સહિતની માગણી કરી હતી.
હાલમાં મંજૂર થયેલ ટીપી સ્કીમ નં.14ના અસરગ્રસ્ત ખેડૂત ખાતેદારોની રજૂઆત છે કે, આ ટીપી સ્કીમમાં તેમની ખેતીની જમીન આવરી લેવાઇ છે અને રાજ્ય સરકાર દ્વારા 2001માં ડ્રાફ્ટ કરી હતી અને ટીપી સ્કીમમાંથી પસાર થતા ટીપી રોડનો કબજો ખેડૂત ખાતેદારો દ્વારા નવેમ્બર-2005માં સોંપી આપેલ છે. તેથી આ વિસ્તારનો વિકાસ તાત્કાલિક કરવા રોજકામ કરવા માગણી કરાઇ હતી.