અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની જ્વાળાઓએ વિશ્વના બીજા સૌથી મોટા સિરામિક ક્લસ્ટર મોરબીને લપેટમાં લીધું છે. પેટ્રોલિયમ ઉત્પાદનોની સપ્લાય ચેઈન ખોરવાતા મોરબીના ઉદ્યોગની જીવાદોરી સમાન પ્રોપેન અને નેચરલ ગેસનો પુરવઠો સાવ તળિયે બેસી ગયો છે. પરિણામે, ધમધમતા કારખાનાઓ હવે નિર્જીવ શરીર જેવા ભાસી રહ્યા છે. અત્યાર સુધીમાં 600થી વધુ ફેક્ટરીઓ ગેસના અભાવે બંધ થઈ ગઈ છે, જેના કારણે લાખો શ્રમિકો બેરોજગાર બન્યા છે.
ગેસ સપ્લાય ક્યારે રાબેતા મુજબ થશે તેની કોઈ ગેરંટી નથી. જ્યારે સ્થિતિ સામાન્ય થશે ત્યારે ગેસના નવા ભાવ અને ઉત્પાદન ખર્ચના આધારે નવા ભાવ જાહેર કરી એકસૂત્રતા જાળવવાનો અમારો પ્રયાસ રહેશે. > મનોજ એરવાડિયા, પ્રમુખ, સિરામિક એસોસિએશન
રેલવે સ્ટેશને ભીડ, લેબર ક્વાર્ટર્સ ખાલી થયા ફેક્ટરીઓ બંધ થતા ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશાથી આવેલા 4 લાખથી વધુ શ્રમિકોની હાલત દયનીય બની છે. છેલ્લા બે અઠવાડિયાથી મોરબી, વાંકાનેર અને રાજકોટ રેલવે સ્ટેશનો પર વતન જવા માંગતા શ્રમિકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. વધતા ખર્ચને પહોંચી ન વળતા શ્રમિકો વતન જવા મજબૂર બન્યા છે.