મોરબીમાં એક મહિનાથી લાપતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થીની ઘાતકી હત્યા કરી લાશને દાટી દેવાયાનો પર્દાફાશ થયો છે. ફિલ્મની સ્ટોરીને પણ પાછળ રાખી દે તેવું કાવતરું હત્યારાએ ઘડ્યું હતું. રૂ.10 લાખ પરત આપવા પડે નહીં તે માટે યુવકની હત્યા કર્યા બાદ યુવક જીવિત હોવાનું બતાવવા આરોપીએ મૃતકના કપડાં અને હેલ્મેટ પહેરી હત્યાસ્થળ પોતાની ઓફિસથી નીકળ્યો હતો. જોકે અંતે તમામ રહસ્યો પરથી પડદો ઊંચકાઇ ગયો હતો અને આરોપીના પાપનો ભાંડો ફૂટી ગયો હતો.
મોરબીમાં રહેતા અને ટીંબડી પાટિયા પાસે જે.આર.ટ્રાન્સપોર્ટ નામની ઓફિસ ધરાવતા જિતેન્દ્રભાઇ રમેશભાઇ કૈલા (ઉ.વ.34) ગત તા.20 જૂનના મોરબીમાં નાની વાવડી રોડ પર સતનામ કોમ્પ્લેક્સમાં આવેલી જિતેન્દ્ર આયદાન ગજિયાની ઓફિસે પોતાના લેણા રૂ.10 લાખ લેવા ગયો હતો. જિતેન્દ્ર ગજિયાએ નાણાં લેવા આવેલા જિતેન્દ્ર કૈલાની પત્નીને વીડિયો કોલ કરીને કહ્યું હતું કે, તારા પતિને રૂ.10 લાખ આપું છું અને ત્યારબાદ તેણે ફોન કાપી નાખ્યો હતો. એ દિવસે મોડીસાંજ થવા છતાં જિતેન્દ્રભાઇ કૈલા પોતાના ઘરે પહોંચ્યા નહોતા અને તેનો મોબાઇલ પણ સ્વિચઓફ થઇ ગયો હતો. યુવકના પરિવારજનોએ આ બાબતે જિતેન્દ્ર ગજિયાને પૂછતાં તેણે યુવક પોતાની ઓફિસેથી બપોરે નીકળી ગયાનું કહ્યું હતું. કૈલા પરિવારે જાણ કરતાં મોરબી પોલીસે જિતેન્દ્રભાઇ કૈલા ગુમ થયાની નોંધ કરી તપાસ શરૂ કરી હતી. એક મહિના સુધી પોલીસને કોઇ મહત્ત્વની કડી મળી નહોતી. જિતેન્દ્ર ગજિયા શરૂઆતથી જ શંકાના દાયરામાં હતો અને કૈલા પરિવારે પોતાની રીતે તપાસ કરતાં તથા પોલીસે પણ તપાસ કરતાં જિતેન્દ્ર ગજિયાએ રૂ.10 લાખના મુદ્દે ટ્રાન્સપોર્ટર જિતેન્દ્રભાઇનું અપહરણ કરી તેને ગોંધી રખાયાનું ખૂલતા ગત તા.25ના જિતેન્દ્ર ગજિયા સામે અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો.