મોબાઈલ વિના યુવાનોની બેચેનીનું મનોવૈજ્ઞાનિક માપન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની ઉન્નતિ દેસાઈ, હિતેશ્રી અઘેરા અને નેહા બેડીયાએ આધુનિક યુગના વ્યાપક માનસિક સ્વાસ્થ્ય પડકાર નોમોફોબિયા (નો-મોબાઇલ-ફોન ફોબિયા)ના સચોટ માપન માટે એક નવી અને પ્રમાણિત મનોવૈજ્ઞાનિક કસોટી વિકસાવી છે. જેમાં 14થી 34 વર્ષના બાળકો અને યુવાનોને અલગ અલગ 40 જેટલા સવાલો પૂછવામાં આવે છે અને તેના જવાબો તે વ્યક્તિ કઈ રીતે આપે છે તેના આધારે તેને નોમોફોબિયા છે કે કેમ તે નક્કી થાય છે. આ કસોટીની રચના અધ્યાપક ડૉ. જોગસણ અને ડૉ.દોશીના માર્ગદર્શનમાં કરવામાં આવી છે. આ કસોટીને ભારત સરકાર દ્વારા કોપીરાઇટસ પણ આપવામાં આવ્યા છે.

મનોવિજ્ઞાન ભવનના અધ્યાપિકા ડૉ. ધારા દોશીએ જણાવ્યુ હતું કે, નોમોફોબિયા એ મોબાઇલ ફોનથી દૂર રહેવાના, બેટરી ખતમ થવાના અથવા નેટવર્ક કનેક્ટિવિટી ગુમાવવાના તર્કહીન ડરને દર્શાવે છે. આ કસોટી નોમોફોબિયાની તીવ્રતાને ચોક્કસપણે માપશે. જે મનોવૈજ્ઞાનિકો અને માનસિક સ્વાસ્થ્ય વ્યાવસાયિકોને અસરકારક નિદાન અને હસ્તક્ષેપ માટે મદદરૂપ થશે.જે કસોટીના મુખ્ય લક્ષણો પર નજર કરીએ તો તેમાં વૈજ્ઞાનિક પ્રમાણભૂતતા આવે છે. કસોટીની રચના આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ અને આંકડાકીય વિશ્લેષણના આધારે કરવામાં આવી છે, જે તેની વિશ્વસનીયતા અને યથાર્થતા શોધ્યા પછી તેને ઉપયોગમાં લેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *