રાજકોટ મહાપાલિકામાં વહીવટી સંકલનનો અભાવ અને ગંભીર બેદરકારી સામે આવી છે. એકતરફ લોકો સામે ધોકો પછાડી ઉઘરાણી કરવામાં આવી રહી છે, તો બીજીતરફ મોબાઈલ ટાવરનાં કરોડો રૂપિયા માફ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
સરકારે જાન્યુઆરી-2025થી ટેલિ કોમ્યુનિકેશન્સ (રાઇટ ઓફ વે) નિયમો અમલી બનાવી મોબાઈલ ટાવરો ઉપરનો મિલકત વેરો માફ કરી દીધો હોવા છતાં, મનપાના અધિકારીઓ એક વર્ષ સુધી આ આદેશથી અજાણ રહ્યા હતાં.
આ સમયગાળા દરમિયાન મનપા દ્વારા મોબાઈલ કંપનીઓને વેરો ભરવા માટે નોટિસો ફટકારવામાં આવી રહી હતી. જોકે હવે આ પરિપત્રની જાણ થતાં અધિકારીઓએ નિષ્ણાંતોનો અભિપ્રાય લેવા કવાયત હાથ ધરી છે. જેમાં પણ છેલ્લા 1 વર્ષના રૂ. 15 કરોડ જતા કરવા પડે તેવુ લાગી રહ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરની મિલકતો ઉપર અંદાજે 550 જેટલા મોબાઈલ ટાવરો આવેલા છે. આ ટાવરોનો કુલ રૂ. 101 કરોડ કરતાં વધુનો વેરો લાંબા સમયથી બાકી છે. મનપા અને મોબાઈલ કંપનીઓ વચ્ચે વેરાના ભારાંક અંગે લાંબા સમયથી કાનૂની અને વહીવટી વિવાદો ચાલી રહ્યા છે.
ટેલિકોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોપર્ટીનો ભાગ ગણી શકાય નહીં દરમિયાન ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગે 1 જાન્યુઆરી, 2025ના રોજ એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો હતો. આ પરિપત્ર મુજબ, પબ્લિક કોમ્યુનિકેશન એક્ટની કલમ 14(2) અને 14(3) હેઠળ ટેલિકોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોપર્ટીનો ભાગ ગણી શકાય નહીં અને તેના પર કોઈપણ પ્રકારનો પ્રોપર્ટી ટેક્સ, લેવી, સેસ કે ડ્યુટી લાદી શકાશે નહીં.