મોઢ વણિક સમાજના 5 હજાર પરિવારને પૈસાથી જ પૈસા કેમ બને તે સમાજના જ ફાઇનાન્શિયલ એક્સપર્ટ સમજાવશે

બદલાતા સમયમાં નાણાકીય જાગૃતિ જીવનનો અનિવાર્ય હિસ્સો બની ગઈ છે. આવી જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મોઢ વણિક સમાજે હજારો સભ્યોને આર્થિક રીતે સશક્ત બનવાનો માર્ગ દર્શાવતું પ્રશંસનીય અભિયાન શરૂ કર્યું છે. આ નાણાકીય સાક્ષરતા ઝુંબેશ એક સામાન્ય પહેલ નથી, આ તો સમાજના લોકોના ભવિષ્યને વધુ સુરક્ષિત, સુવ્યવસ્થિત અને સમૃદ્ધ બનાવવાની એક સકારાત્મક ક્રાંતિ છે. આધુનિક સમયમાં નાણાંનું યોગ્ય મેનેજમેન્ટ જીવનને સરળ બનાવવા માટેનું અત્યંત જરૂરી સાધન બની ગયું છે. આ સમજને કેન્દ્રમાં રાખીને સમાજના આશરે 5000 પરિવારને નાણાકીય જ્ઞાન નિ:શુલ્ક પૂરું પાડવાની પહેલ હાથ ધરી છે.

આ ઝુંબેશનો મુખ્ય હેતુ છે સમાજના દરેક વ્યક્તિમાં નાણાકીય શિસ્ત, સમજ અને જાગૃતિ લાવવાનો છે. શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ, બેંક ફિક્સ ડિપોઝિટ, વીમા, અસરકારક રોકાણ અને લાંબાગાળાના ફાઇનાન્શિયલ પ્લાનિંગ જેવી બાબતો ઘણા લોકો માટે હજુ પણ અજાણી દુનિયા છે. ઘણા લોકો પૈસા કમાય છે, પરંતુ પૈસા યોગ્ય રીતે ક્યાં અને કેવી રીતે રોકવાના તે અંગે બહુ ઓછાને માહિતી હોય છે. પરિણામે, કમાણી સારી હોવા છતાં બચત અને વૃદ્ધિ બંનેમાં ખોટ પડે છે. આ જરૂરિયાતને પહોંચી વળવા સમાજ દ્વારા સમાજના જ આ ક્ષેત્રના નિષ્ણાતની મદદ લેવામાં આવી છે. જે સરળ ભાષામાં, પ્રેક્ટિકલ ઉદાહરણો દ્વારા અને વ્યક્તિગત માર્ગદર્શન સાથે આ તમામ વિષયો સમજાવશે.

આ પહેલનો સૌથી મહત્ત્વનો પાસું એ છે કે, તે સમાજના દરેક વય અને વર્ગના લોકો માટે છે, યુવાનો, મહિલાઓ, કર્મચારીઓ, નાના વેપારીઓ કે નિવૃત્ત વ્યક્તિઓ સૌ માટે ઉપયોગી થશે. યુવાનો માટે આ માર્ગદર્શન તેમની કારકિર્દીના પ્રારંભમાં જ એક મજબૂત નાણાકીય પાયો ગઠિત કરશે. મહિલાઓ માટે આ નાણાકીય સ્વતંત્રતાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થશે અને વૃદ્ધો માટે, તેમની બચતને સુરક્ષિત અને ઉપયોગી રીતે મેનેજ કરવાની તક બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *