શહેરમાં ગાંધીગ્રામ પાસેના ગોવિંદનગરમાં વેલનાથ ચોક પાસે રહેતા યુવાને પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. યુવકે મૈત્રીકરાર કર્યા હોય તે યુવતી તેને છોડીને જતી રહેતા યુવકે આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી છે.
ગોવિંદનગરમાં રહેતા કિશનભાઇ લાલજીભાઇ જાદવ (ઉ.28) એ પોતાના ઘેર છતના હૂકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. મોડે સુધી નીચે નહીં આવતા ઉપરના માળે રૂમમાં માતા બોલાવવા જતા પુત્રને લટકતો જોઇ દેકારો કરતા પાડોશના લોકોએ જાણ કરતાં 108ની ટીમે પહોંચી તબીબે યુવકને મૃત જાહેર કરતાં ગાંધીગ્રામ પોલીસ મથકના જમાદાર મિહિરસિંહ સહિતના સ્ટાફે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.પોલીસની તપાસમાં મૃતક કિશન છૂટક મજૂરીકામ કરતો હોવાનું અને પિતા સેન્ટ્રિંગ કામ કરતાં હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસની વધુ પૂછતાછમાં કિશને એક યુવતી સાથે મૈત્રીકરાર કર્યા હતા તે યુવતી તેને છોડી જતી રહી હોય બાદમાં યુવક ગુમસુમ રહેતો હોવાનું અને યુવતીએ છોડી દેતા યુવકે આ પગલું ભરી લીધાનું પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.