મેવાણીના સમર્થનમાં રાજકોટમાં મોરચો નીકળ્યો

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની તરફેણમાં આજે રાજકોટ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કલેક્ટર મારફત રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં દારૂ-ડ્રગ્સ બંધ કરો, ભ્રષ્ટ પોલીસને જેલમાં નાખો એવી નારેબાજી કરવામાં આવી હતી તો 8 પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવી મેવાણીના અવાજને દબાવવા માટે પોલીસ પરિવાર અને બુટલેગરો મારફત રજૂઆતો કરાવે છે તે નિંદનીય છે. જેથી, ગુજરાતમાંથી દારૂ અને ડ્રગ્સનું વેચાણ બંધ થાય તે માટે કડક કાર્યવાહી કરવામાં આવે અને રાજ્યપાલ દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈને સરકારને રજૂઆત કરવામાં આવે એવી માંગણી કરી હતી.

રાજકોટ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કલેકટર મારફત રાજ્યપાલને આપવામાં આવેલા આવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના વડગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ છેલ્લા કેટલાક સમયમાં રાજ્યમાં વધતા દારૂ, ડ્રગ્સ, નશીલા પદાર્થો તેમજ તેની પાછળ રહેલી પોલીસની શંકાસ્પદ ભૂમિકા વિશે અત્યંત ગંભીર મુદ્દાઓ ઉપર જાહેર મંચો પર ઉઠાવ્યા છે. મેવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નો રાજ્યના યુવાનોના ભવિષ્ય, કાયદો અને વ્યવસ્થા તથા સમાજમાં ફેલાતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે અત્યંત જરૂરી અને લોકહિતમાં છે પરંતુ, દુઃખ સાથે નોંધવું પડે છે કે, આ મુદ્દાઓ ઉઠાવ્યા બાદ ગૃહમંત્રી સહિત પોલીસે વિરોધરૂપ રજુઆતો કરી ધારાસભ્ય પર દબાણ લાવવાનો અત્યંત બેહૂદો અને સભ્ય સમાજને છાજે નહીં એવો પ્રયાસ કરાયો હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે.

ગુજરાતના નાગરિકોના મતે ગુજરાતના હાલના તમામ ધારાસભ્યો જો ગુજરાત બહાર જાય તો તેઓની ઓળખ સીમિત થઈ જાય એમ છે. જ્યારે જીજ્ઞેશ મેવાણીની ઓળખ એક આંતરરાષ્ટ્રીય સ્તરની છે. જેથી તેઓનું સન્માન જળવાય તેના માટે મેટ્રિક પાસ પણ ન હોય એવા માણસો સવાલો ઉઠાવે ત્યારે ગુજરાતને ધક્કો અને ઠેસ પહોંચે છે. મેવાણી દ્વારા ઉઠાવેલા પ્રશ્નો પુરાવા આધારિત, લોકહીતકારી અને જનવિભાગના કલ્યાણ માટેના જ રહ્યા છે. ઘણીવાર તેઓ પક્ષાપક્ષીથી ઉપર ઉઠી ગુજરાતના નાગરિકોના કલ્યાણ માટે હુંકાર ભરતા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *