રાજકોટમાં શહેર ભાજપમાં તાજેતરમાં ધારાસભ્ય દર્શિતા શાહ અને મેયર નયના પેઢડિયા વચ્ચે આમંત્રણ પત્રિકામાં નામને લઈને બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું હતું. પ્રથમ મેયરે આવું ઘર્ષણ થયું હોવા અંગેનો સ્વીકાર દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં કર્યો હતો. જોકે બાદમાં બંનેએ આવો કોઈપણ વિવાદ નહીં હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ આજે ધારાસભ્ય રમેશ ટીલાળા આયોજીત સર્વરોગ નિદાનનાં કેમ્પમાં મહિલા મોરચા પ્રમુખ કિરણ માકડિયાએ જણાવ્યું કે, મેયર-ધારાસભ્ય બંને સોબર હોય વિવાદનો કોઈ સવાલ નથી, નાના-મોટા મતભેદ હોય શકે છે પણ કોઈ મનભેદ નથી. છતાં મને ફરિયાદ મળશે તો પક્ષમાં તેની રજુઆત કરીશ.
નોંધનીય છે કે, રાજકોટ માટે મહત્ત્વના ગણાતા ‘દિવાળી કાર્નિવલ’ના આમંત્રણ કાર્ડમાં નામ લખવા મુદ્દે મેયર નયનાબેન પેઢડિયા અને રાજકોટ પશ્ચિમ બેઠકના ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું હતું.
કિરણ માકડિયાએ જણાવ્યું હતું કે, વિવાદ મનપાનો છે, મારો વિષય નથી. હું એક સંગઠનની મહિલા પાંખની પ્રમુખ છું, એટલે આ બધું મારો કંઈ વિષય જ હોય નહીં. અમારા બેન મેયર નયનાબેન અને ધારાસભ્ય દર્શીતાબેન બંને સોબર છે. એટલે વિવાદનો કોઈ સવાલ નથી. અમુક વાર એવું હોય છે કે બહેનો અંદરોઅંદરની વાતો મોટેથી કરતા હોય ને તોય કોકને એમ થાતું હોય કે આ વિવાદ છે, પણ એક્ચ્યુલી વિવાદ હોતો નથી.