મેટોડામાં ગૌવંશ પર એસિડ છાંટનાર બે મહિલાની ધરપકડ

રાજકોટ જિલ્લાના મેટોડા GIDCમાં પશુ ક્રૂરતાનો બનાવ સામે આવ્યો છે. 10 આખલાઓ પર એસિડ છાંટી દેવામાં આવતા તે ગંભીર રીતે દાઝી ગયા હતાં, જેની જાણ થતા જીવદયાપ્રેમીએ બે મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે મેટોડા પોલીસે ગુનો નોંધી બંને મહિલાઓની અટકાયત કરી પૂછપરછ કરતા ગાયને આખલા હેરાન કરતા હોવાથી તે અંગે દાઝ રાખી બંને મહિલાઓએ નિર્દયી કૃત્ય આચર્યું હોવાની કબૂલાત આપી છે.

મેટોડા GIDC ગેટ નં.1ની અંદર અંજલી પાર્ક મણીરત્ન એપાર્ટમેન્ટમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાન રવિ બાવનભાઈ મોરી (ઉ.વ.18) દ્વારા મેટોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મેટોડાની શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં રહેતા દીપાબેન દિલીપભાઈ રાઠોડ અને શોભનાબેન નિર્મળભાઈ ઉદ્દેશાના નામ આપી જણાવ્યું હતું કે, 10 દિવસ પહેલા મેટોડા GIDC ગેટની સામે આવેલ ડાયમંડ પાર્ક સોસાયટીમાં મિત્રના ઘરની નજીકની શેરીમાં 8-10 આખલાઓ હતા, જેમના પર કોઈએ એસિડ છાંટતા લોહી નીકળતું હોય અને ગંભીર રીતે દાઝી ગયા હોય .જેથી, યુવાને સોનલ સેનાના સભ્ય ભગુભાઈ મોરીને વાત કરી હતી.

બાદમાં પશુઓ પ્રત્યે આ પ્રકારની ક્રૂરતા કોણે આચરી તે અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં રહેતા દીપાબેન અને શોભનાબેનને આ પશુઓ પર એસિડ છાંટ્યું હતું. જેથી, આ અંગે મેટોડા GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે બંને મહિલાઓ સામે પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *