મેક્સિકોમાં સુરક્ષા દળોના ઓપરેશનમાં કુખ્યાત ડ્રગ ડોન નેમેસિયો ઓસેગેરા સર્વાંતેસ ઉર્ફે ‘એલ મેંચો’ માર્યો ગયો. ત્યારબાદ 31માંથી 13 રાજ્યોમાં હિંસા ફાટી નીકળી. ઘણી જગ્યાએ રોડબ્લોક લગાવવામાં આવ્યા, ગાડીઓ અને 20થી વધુ સરકારી બેંક શાખાઓમાં આગ લગાડી દેવામાં આવી.
જાલિસ્કોમાં લોકડાઉનની સ્થિતિ છે. આ શહેર ફીફા 2026ના યજમાન શહેરોમાં સામેલ છે. અલગ-અલગ શહેરોમાં ઓછામાં ઓછી 32 મોત થઈ છે જેમાં 25 જવાન છે. ઓપરેશન દરમિયાન બખ્તરબંધ ગાડીઓ અને રોકેટ લોન્ચર સહિત ભારે હથિયારો જપ્ત થયા.
ઇન્ટરનેશનલ ક્રાઇસિસ ગ્રુપના મેક્સિકો એનાલિસ્ટ ડેવિડ મોરા અનુસાર, આ કાર્યવાહી શેનબામ સરકારની કાર્ટેલ વિરુદ્ધ કડકાઈ અને અમેરિકાના દબાણ બંનેની દ્રષ્ટિએ એક ટર્નિંગ પોઈન્ટ છે.
‘એલ મેંચો’ ના સંબંધીઓ કાર્ટેલની કમાન સંભાળે છે તો હિંસા ચાલુ રહી શકે છે. નિષ્ણાતો 1990ના દાયકામાં કોલંબિયામાં કાર બોમ્બ, હત્યાઓ અને વિમાનો પર હુમલા જેવો ઇતિહાસ પુનરાવર્તિત થવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.
મેક્સિકોમાં સેનાએ રવિવારે એક ઓપરેશન ચલાવીને દેશના સૌથી મોટા ડ્રગ માફિયા ડોન એલ મેન્ચોને ઠાર માર્યો હતો. આ પછી દેશભરમાં આગચંપી અને હિંસા શરૂ થઈ ગઈ છે. મેન્ચોના સમર્થકોએ બદલો લેવા માટે હાઈવે જામ કરી દીધો હતો અને વાહનોમાં તોડફોડ કરી હતી.
મેક્સિકોમાં પહેલા પણ જ્યારે કોઈ મોટા કાર્ટેલ નેતાને પકડવામાં આવ્યો કે મારવામાં આવ્યો છે, ત્યારે સરકાર અને કાર્ટેલ વચ્ચે હિંસક અથડામણ થઈ છે. ઘણીવાર ગેંગની અંદર જ સત્તાની લડાઈ શરૂ થઈ જાય છે, જેનાથી સ્થિતિ વધુ બગડી જાય છે.
નિષ્ણાતોનું કહેવું છે કે એલ મેન્ચોના મૃત્યુ પહેલાં 2016માં સિનાઓલા કાર્ટેલના ડોન એલ ચાપોની ધરપકડ અને 2024માં અલ માયોની ધરપકડ સમયે પણ દેશમાં આવું જ થયું હતું.
2019માં જ્યારે અલ ચાપોના પુત્ર ઓવિડિયો ગુઝમેનને પકડવામાં આવ્યો હતો, ત્યારે તેના ગુર્ગોએ કુલિયાકાન શહેરને કલાકો સુધી બંધક બનાવી લીધું હતું અને સરકારે તેને છોડવો પડ્યો હતો. તેથી હવે પણ ડર છે કે પરિસ્થિતિ વધુ બગડી શકે છે.