મુસાફરનું બીપી વધી જતાં ફ્લાઈટ રન-વે પરથી પાછી ફરી

રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શુક્રવારે બપોરે હૈદરાબાદ જતી ફ્લાઈટમાં એક મુસાફરનું બ્લડ પ્રેશર વધી જતા તાત્કાલિક ક્રૂ સ્ટાફને જાણ કરી હતી, પાઇલટે એરપોર્ટ કંટ્રોલમાં જાણ કરી તાત્કાલિક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આ યાત્રિકને હોસ્પિટલ લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. યાત્રિકની તબિયત અચાનક ખરાબ થતા ફ્લાઈટ ટેકઓફ થવાની તૈયારીમાં જ હતું પરંતુ ટેક્સી પોઈન્ટથી પરત ફર્યું હતું. જો કે બીમાર મુસાફરને ઉતાર્યા અને તેમણે હોસ્પિટલ લઇ જવાની વ્યવસ્થા કરવા સહિતની બાબતોમાં રાજકોટથી હૈદરાબાદની ફ્લાઈટ આશરે 45 મિનિટ મોડી ટેક ઓફ થઇ હતી.

હૈદરાબાદથી રાજકોટ આવતી ફ્લાઈટ 6E6823 રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બપોરે 12.45 કલાકે લેન્ડ થઇ હતી. આ ફ્લાઈટના શિડ્યુલ મુજબ જ ફરી હૈદરાબાદ જવા માટે યાત્રિકો ફ્લાઈટમાં બેસી ગયા હતા. પરત હૈદરાબાદ જનારી ફ્લાઈટ 6E6824 ટેક ઓફ થવાની તૈયારીમાં જ હતી તે સમયે જ ફ્લાઈટમાં બેસેલા એક મહિલા મુસાફરનું બ્લડ પ્રેશર ઘટી જતા આજુબાજુમાં બેસેલા યાત્રિકોએ ક્રૂ સ્ટાફને જાણ કરી હતી. સ્ટાફે પાઇલટને જાણ કરી અને પાઇલટે તાત્કાલિક એરપોર્ટ કંટ્રોલમાં જાણ કરી. બીમાર યાત્રિકને ફ્લાઈટમાંથી ઉતારીને એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ બાદમાં તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બીમાર મહિલાને ઉતાર્યા બાદ ફ્લાઈટ હૈદરાબાદ જવા રવાના થઇ હતી. જો કે આ પ્રક્રિયામાં ફ્લાઈટ 45 મિનિટ મોડી થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *