મુસાફરની તબિયત લથડતાં અબુધાબીની ફ્લાઇટનું રાજકોટમાં ઈમર્જન્સી લેન્ડિંગ

અબુધાબીથી બેંગ્લોર જતી ઇન્ડિગોની એક આંતરરાષ્ટ્રીય ફલાઇટનું રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એક મુસાફરને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા ઇન્ડિગોની ફલાઇટ તાત્કાલિક રાજકોટ એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્યાં મેડિકલ ઇમર્જન્સી માટે એમ્બ્યુલન્સ સહિતની સુવિધા મેડિકલ સ્ટાફ સાથે તૈનાત રખાઇ હતી અને હાર્ટની તકલીફની ફરિયાદ કરનાર મુસાફર અને તેની સાથેના બે સભ્યોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

રાજકોટ હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શુક્રવારે સવારે અબુધાબીથી બેંગ્લોર જતી ઇન્ડિગો કંપનીની એક આંતરરાષ્ટ્રીય ફલાઇટે ઇમર્જન્સી લેન્ડિંગ માટે એટીસી પાસે મંજૂરી માંગી હતી. આંતરરાષ્ટ્રીય ફલાઇટમાં મુસાફરી કરી રહેલા મહમદઅલી અબ્દુલ્લાહ નાગીને અચાનક છાતીમાં દુ:ખાવો શરૂ થતા તાત્કાલિક ફલાઇટને રાજકોટ ડાયવર્ટ કરવામાં આવી હતી અને તેનું ઇમર્જન્સી લેન્ડિંગ કરાયું હતું.

બીજીબાજુ મુસાફરની તબિયત લથડતા ફલાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ થઇ રહ્યાની જાણ થતા એરપોર્ટના સત્તાધીશોએ એમ્બ્યુલન્સ અને મેડિકલ સ્ટાફને તૈનાત કરી દીધો હતો અને સવારે 9.07 વાગ્યે અબુધાબી-બેંગ્લોર ફલાઇટનું રાજકોટના હિરાસર એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગ થયા બાદ હાર્ટની તકલીફ થઇ તે મુસાફર અને તેના પરિવારના બે સભ્યોને રાજકોટ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા અને ટર્મિનલ ખાતેની પ્રક્રિયા પૂરી કરી એમ્બ્યુલન્સમાં તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધના માહોલ વખતે કરાંચી પરથી ઉડાન ભરતી અબુધાબી-બેંગ્લોરની આંતરરાષ્ટ્રીય ફલાઇટનો રૂટ બદલવામાં આ‌વ્યો હતો તેમજ રાજકોટ હિરાસર એરપોર્ટને પણ 24 કલાક ખુલ્લું રાખવા આદેશ કરાયો હતો જેના પરિણામે આજે આંતરરાષ્ટ્રીય ફલાઇટનું રાજકોટમાં ઇમર્જન્સી લેન્ડિંગ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *