ભાવનગરની મુલાકાતે આજે મુખ્યમંત્રી આવ્યા છે, જોકે તેઓ આવે એ પહેલાં જ કાર્યક્રમ સ્થળે મેયર સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનું જોવા મળ્યું હતું. ભાવનગરનાં ચૂંટાયેલાં કોર્પોરેટરને પ્રવેશ આપવા દેવામાં ન આવતાં થોડીવાર માટે બોલાચાલી થઈ હતી. કોર્પોરેટરને મેયર એન્ટ્રી કરાવી રહ્યા હતા ત્યારે તેમને મહિલા પોલીસે કહ્યું કે ‘ચેક તો કરવા દો, શું ચેક કરવા નહિ દો?’, એ બાદ મેયરે કહ્યું હતું કે ‘આ વાત સીએમને કહેવી પડશે’, જોકે બાદમાં મેયર હોવાની જાણ થતાં જ મહિલા પોલીસકર્મી ઢીલાં પડ્યાં હતાં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ ભાવનગરની એક દિવસીય મુલાકાત આવ્યા છે. મુખ્યમંત્રી 396.34 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે ભાવનગરમાં પધાર્યા છે. તો બીજી તરફ તેમનું આગમન થાય એ પહેલાં ભાવનગરના ચૂંટાયેલા કોર્પોરેટરોને શહેરના મહિલા કોલેજ સર્કલ પાસે આવેલા યશવંતરાય નાટ્ય ગ્રુપમાં અંદર પ્રવેશવી રહ્યા હતા, જોકે, પ્રોટોકોલ પ્રમાણે તમામની ચેંકિંગ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવતો હોય છે, જેમાં કેટલાક ચેકિંગ કર્યા વગર જ અંદર જતા સીએમના સિક્યોરિટી અને ભાજપના પ્રમુખ વચ્ચે ચકમક થઈ હતી. વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ તમામને પ્રવેશવા દેવામાં આવ્યા હતા.
પોલીસકર્મીઓ જ્યારે લોકોની એન્ટ્રી કરાવી રહ્યા હતા ત્યારે પ્રોટોકોલ મુજબ તમામને ચેક કરતા હતા. એ વખતે ચિત્રા ફુલસર વોર્ડનાં કોર્પોરેટર હીરાબેન કુકડિયાને મહિલા પોલીસ ચેક કરતાં હતાં, જોકે એ વખતે મેયર ભરત બારડ ત્યાં આવી પહોંચ્યા હતા અને જવા દેવાનું કહેતાં જ મહિલા પોલીસકર્મી મેયરને કહેવા લાગ્યા કે, ચેક તો કરવા દો, શું નઈ ચેક કરાવાનું? તો બીજી તરફ મેયરે કહ્યું, આ વાત સીએમને કહેવી પડશે. તેવું વીડિયોમાં જોવા મળ્યું હતું. આ વચ્ચે મહિલા પોલીસને મેયર ભરત બારડ હોવાની જાણ થતાં જ તેઓ થોડાં ઢીલાં પડ્યાં હતાં. મહિલા પોલીસકર્મી તમામનું ચેકિંગ કરી પોતાની ફરજ નિભાવી રહ્યાં હતાં, પરંતુ મેયર સાથે કરેલું તેમનું વર્તન અયોગ્ય હોવાની ચર્ચા પંથકમાં પ્રસરી હતી.