રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા પરાબજારમાં અમૃત મુખવામાંથી લેવામાં આવેલ ખાદ્ય પદાર્થના 02 નમૂના ફેલ (સબસ્ટાન્ડર્ડ) જાહેર થતાં એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર સમક્ષ કેસ ચાલી જતાં કુલ રૂ.70,000 દંડનો હુકમ કરવામાં આવ્યો છે.
ફૂડ વિભાગ દ્વારા પરાબજાર મેઇન રોડ પર આવેલા “અમૃત મુખવાસ’માંથી “મીઠો મુખવાસ (1 કિ.ગ્રા. પેક્ડ)’ નો નમૂનો લેવામાં આવ્યો હતો. જે પૃથક્કરણ રિપોર્ટમાં સિન્થેટિક ફૂડ કલરનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ હોવાથી નમૂનો “સબસ્ટાન્ડર્ડ’ જાહેર થયો હતો. જે અંગેના કેસમાં એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા નમૂનો આપનાર પેઢીના માલિક દિપેશ અમૃતલાલ નંદાને રૂ.35,000નો દંડ કરવામાં આવ્યો હતો તેમજ અમૃત મુખવાસમાંથી લીધેલા પાનચૂરી મુખવાસ(1 કિ.ગ્રા.પેકડ)ના નમૂનાના પૃથક્કરણ દરમિયાન તેમાંથી પણ સિન્થેટિક ફૂડ કલરનું પ્રમાણ ધારાધોરણ કરતા વધુ નીકળતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો હતો અને આ કેસમાં પણ દિપેશ નંદાને રૂ.35000નો દંડ ફટકારાયો છે.