મુંબઈની જેમ મોટા, જાડા અને વજનદાર પાટા રાજકોટ-અમદાવાદ વચ્ચે બિછાવાશે,ટ્રેન 130 કિલોમીટરની ઝડપે દોડાવી શકાશે

રાજકોટ અને અમદાવાદ વચ્ચેનો રેલવે પ્રવાસ હવે ટૂંક સમયમાં જ વધુ ઝડપી અને સુવિધાજનક બનવાનો છે. રાજકોટ-અમદાવાદ ડબલ ટ્રેકનું કામ પૂર્ણ થયા બાદ હવે રેલવે તંત્ર દ્વારા ટ્રેક અપગ્રેડેશનની મહત્ત્વની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણ થતાની સાથે જ આ રૂટ પર ટ્રેનની ગતિ હાલની 90 કિલોમીટર પ્રતિ કલાકથી વધીને 130 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી જશે. પરિણામે, રાજકોટથી અમદાવાદ પહોંચવાનો સમય હાલ જે 4 કલાકથી વધુ થાય છે તે ઘટીને માત્ર અઢી કલાક જેટલો થવાની સંભાવના છે. સંભવત: આગામી 6 મહિનામાં આ કામગીરી પૂર્ણ થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

ટ્રેક અપગ્રેડેશન અંતર્ગત અમદાવાદ-મુંબઈ વચ્ચે જે પ્રકારના મોટા અને પહોળી સાઇઝના પાટા (ટ્રેક)નો ઉપયોગ થાય છે, તે જ પ્રકારનો આધુનિક ટ્રેક રાજકોટ-અમદાવાદ વચ્ચે બનાવવામાં આવી રહ્યો છે. આ આધુનિક બ્રોડગેજ લાઇન ટ્રેનની ગતિને વધુ ગતિશીલ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવ દ્વારા અગાઉ અમદાવાદથી રાજકોટ સુધી 6 ટ્રેન લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ડબલ ટ્રેક અને ટ્રેક અપગ્રેડેશનની કામગીરીના કારણે અત્યાર સુધી આ નિર્ણય અમલી બન્યો નહોતો. જોકે, કામ પૂર્ણ થતાં જ આ ટ્રેન રાજકોટ સુધી લંબાવવામાં આવે તેવી શક્યતા છે. આ આધુનિક સુવિધાના કારણે રાજકોટને નવી પ્રીમિયમ ટ્રેન પણ મળે તેવી સંભાવના નકારી શકાય નહીં

હવે હેવી એન્જિન બનવા લાગ્યા, સ્પીડ વધી એટલે ટ્રેક બદલાવાય છે રેલવે સામાન્ય રીતે આગામી 40થી 50 વર્ષના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેની યોજના અને પ્રોજેક્ટ બનાવતા હોય છે. મળતી માહિતી અનુસાર રેલવે પણ સમયની સાથે અપગ્રેડ થઇ રહ્યું છે. રેલવેના નવા એન્જિન હવે વધુ હેવી એટલે કે વજનવાળા અને ઝડપથી દોડાવી શકાય તેવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે ત્યારે આવા હેવી એન્જિનને ખમી શકે અને સ્પીડમાં દોડાવી શકાય તેના માટે રેલવે નેટવર્કમાં મોટાપાયે બદલાવ કરવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *