રાજ્ય સરકારે ટીઆરપી અગ્નિકાંડ બાદ તપાસ કરવા માટે એક બે નહિ ચાર-ચાર સીટ બનાવી છે. જોકે આ ચારેય સીટના કહેવાતા સિનિયર અધિકારીઓ હજુ સુધી એ શોધી નથી શક્યા કે લાંચિયા પૂર્વ ઈન્ચાર્જ ટીપીઓ મનસુખ સાગઠિયા પાસેથી જે કરોડોનો દલ્લો મળ્યો છે તે લાંચની રકમ તેણે કોની પાસેથી લીધી છે અને કૌભાંડો કરવામાં કોણ સંડોવાયું છે. ક્રાઈમ બ્રાન્ચ, એસીબી, સત્ય શોધક સમિતિ અને સરકારની સીટ આ બધા જ અધિકારીઓને તપાસ કરતા આવડતી નથી અથવા તો સાગઠિયાને લાંચ આપનારા કૌભાંડીઓ સુધી પહોંચવામાં ડરી રહ્યા છે. આ બે કારણ સિવાય નામ જાહેર ન થવાના કારણ પાછળ સાગઠિયા જેવી વૃત્તિ પણ હોઇ શકે છે. જોકે એક વાત સ્પષ્ટ છે કે, ચારેય સીટના કહેવાતા ધુરંધર અધિકારીઓ સાગઠિયાના કૌભાંડો શોધી શક્યા નથી. જેના થકી સાગઠિયાએ કરોડો રૂપિયા બનાવી શહેર અને પ્રજા સાથે દ્રોહ કર્યો છે તેવા કૌભાંડો અને તેના ગેરલાભાર્થીઓને ભાસ્કર તબક્કાવાર ખુલ્લા પાડશે. તેને કારણે જ ભાજપના નજીકના અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખનું ગેરકાયદે બાંધકામ સીલ થયું છે ત્યાં હવે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી અને ભાજપના માનીતા બિલ્ડર જેનિશ અજમેરાનું કૌભાંડ બહાર આવ્યું છે.
શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી સતત બે ટર્મ સુધી પ્રમુખ રહ્યા હોય તેવી પ્રથમ ઘટના ભાજપમાં નોંધાઈ હતી. આ જ કારણે તેમની પકડ મનપા પર ખૂબ જ હતી અને તેને લઈને અનેક ફરિયાદો અને ગેરરીતિઓ થઈ છે. આ ગેરરીતિઓ ઉપરાંત સૌથી મોટી ગેરરીતિ તેમના જ કાર્યાલયમાં થઈ છે. સાધુ વાસવાણી રોડ પર કમલેશ મીરાણીનું કાર્યાલય જે કોમ્પ્લેક્સમાં છે તેનું બાંધકામ એક ઈંચ માર્જિન છોડ્યા વગર થયું છે. ત્રણ માળના આ કોમ્પ્લેક્સમાં ઉપર જવા માટે બહારની તરફ લોખંડની સીડી મૂકી દેવાઈ છે. આ સીડી સુધી પણ તે કોમ્પ્લેક્સની જગ્યાની હદ પૂરી થઈ જાય છે પણ સીડીની ત્રણેય બાજુ ફેબ્રિકેશનથી પાંજરું બનાવી તે જગ્યા પચાવી લેવાઈ છે. ત્યાં આસપાસમાં જેટલા પણ કોમ્પ્લેક્સ છે ત્યાં બધાએ માર્જિન છોડ્યું છે પણ અહીં કોઇ નિયમ લાગુ કરાયો નથી. મનસુખ સાગઠિયાએ માર્જિન વગરની જગ્યાનો પ્લાન મંજૂર કરી તેમજ ગેરકાયદે બાંધકામ કરવા દઈ દુકાનો અને ઓફિસના વેચાણનો ભારે નફો કરાવ્યો છે.