રાજકોટ શહેરમાં 2018માં પાઇલટ પ્રોજેક્ટ હેઠળ વેસ્ટ ઝોનના ચંદ્રેશનગર સહિતના વિસ્તારોમાં 14000 કનેક્શનમાં પાણીના મીટર લગાવાયા હતા. જો પ્રોજેક્ટ સફળ જાય તો રાજકોટમાં બધે જ આ રીતે મીટર લગાવીને 24 કલાક પાણી આપી જેટલું પાણી વપરાય તેટલું બિલ અપાય તેવો હેતુ હતો. મીટર લગાવવા પાછળ અને અત્યાર સુધી મીટર રીડિંગ તેમજ મરામત સહિત આશરે 6 કરોડની રકમ ખર્ચાઈ ગઈ છે. મરામતનો કોન્ટ્રાક્ટ પૂરો થતા 58 લાખનું ટેન્ડર કરાયું હતું.
જોકે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત આવતા તેમાં ચર્ચા અને અભ્યાસ બાદ સ્પષ્ટ થયું હતું કે, રાજકોટ શહેરમાં મીટરવાળા નળ કનેક્શન સફળ થશે નહિ કારણ કે, 24 કલાક અપાય તેટલું પાણી નથી અને વર્તમાન દરોએ પોસાય પણ નહિ તેથી દરખાસ્ત નામંજૂર કરાઈ હતી. આ કારણે અત્યાર સુધીનો તમામ ખર્ચ પાણીમાં ગયો છે. મીટરવાળા નળ કનેક્શન જેવી જ એક જાહેરાત મલ્ટિલેવલ પાર્કિંગની હતી. દસ વર્ષ પહેલાં આ રૂપકડું નામ બહાર આવ્યું હતું અને ભાજપના નેતાઓ, પદાધિકારીઓ, મેયર, ચેરમેન અને મ્યુનિ. કમિશનરોએ અલગ અલગ બજેટમાં જાહેરાત કરી હતી.