રાજકોટના ‘મિનિ સાળંગપુર’ તરીકે ઓળખાતા બાલાજી હનુમાનના નૂતન મંદિરનું કામ પૂર્ણ થતા ભવ્ય પાંચ દિવસીય ઉદઘાટન મહોત્સવનું આયોજન કરાયું છે. જેનો શુક્રવારથી રંગેચંગે પ્રારંભ થયો છે.પાંચ દિવસીય મહોત્સવમાં નૂતન મંદિરનું ઉદઘાટન, પોથીયાત્રા, છપ્પનભોગ અન્નકૂટ, 108 કુંડી મહામારૂતિ યજ્ઞ દરરોજ કથાનું શ્રવણ સહિતના કાર્યક્રમો યોજાશે. શુક્રવારે ભવ્ય પોથીયાત્રા યોજાઈ હતી.
રાજકોટનું કરણસિંહજી બાલાજી મંદિર લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન છે. અહીં હનુમાનજીની સાળંગપુર જેવી જ મૂર્તિ હોવાથી તેને મિનિ સાળંગપુર તરીકે ઓળખાય છે. અહીં મહાપ્રતાપી બાલાજી દાદા હાજરાહજૂર બિરાજમાન છે. તેમના દિવ્ય અલૌકિક સાનિધ્યમાં દરરોજ હજારો ભક્તો દર્શન કરે છે. મંગળવાર તેમજ શનિવારે તો આંકડો એકાદ લાખ પર પહોંચી જાય છે.
શાસ્ત્રી ઋષિકેશદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આ મંદિરે દર શનિવારે 1,00,000 જેટલા શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરીને આશીર્વાદ મેળવે છે. રાજકોટના લોકો માટે આ મંદિર એક આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અત્યાર સુધી નાનું મંદિર હતું, પરંતુ મંદિરના મહંત વિવેકસાગરદાસજી સ્વામીના અથાગ પ્રયત્નોથી હવે આ મંદિર ગગનચુંબી અને દિવ્ય ભવ્ય બન્યું છે. ત્યારે મંદિરના ઉદ્ઘાટન નિમિત્તે 22 તારીખથી લઈ 26 તારીખ સુધીનો દિવ્ય મહોત્સવ ઉજવાશે.