મુરલી મનોહર… મોહન મુરારી..હર એક રૂપ મેં તેરી લીલા ન્યારી..આ પંક્તિ શ્રીકૃષ્ણના અદ્ભુત સ્વરૂપોનું વર્ણન કરે છે, તેમના જીવનની દરેક લીલા અનોખી અને મનોરમ્ય છે. માખણચોરી હોય, રાસલીલા હોય કે હોળીખેલ હોય, દરેક લીલા વખતે શ્રીકૃષ્ણ પાસે બંસરી અવશ્ય હોય. વેણુનાદ કરતા બંસીધર શ્રીકૃષ્ણનું સુંદર સ્વરૂપ સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ પર બિરાજમાન છે.
મુરલી મનોહર મંદિરમાં.રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં ઉતાવળી નદીના કિનારે આવેલું આ પ્રાચીન મંદિર હજારો વર્ષોથી ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે.
વર્ષ ૧૯૫૬માં સૌરાષ્ટ્ર સરકાર દ્વારા મુરલી મનોહર મંદિરને રાજ્ય રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું હતું. મંદિરની કોતરણી, બાંધકામ અને ગુંબજમાં નાગર અને રાજસ્થાની શૈલીના જૂના સ્થાપત્યની ઝલક જોવા મળે છે.
આ મંદિરના ગર્ભગૃહમાં મુખ્ય ત્રણ સ્વરૂપો બિરાજમાન છે; લલિત ત્રિભંગી મુદ્રામાં મુરલી મનોહર એટલે કે શ્રીકૃષ્ણ બિરાજે છે; તેમજ લક્ષ્મીજી સંગે શ્રીવિષ્ણુ બિરાજી રહ્યાં છે.આ મંદિરની બાજુમાં ઉતાવળી નદી વહે છે અને તેની સાથે ધારુડી અને જાંજમેરી નદીઓનો નયનરમ્ય ત્રિવેણી સંગમ રચાય છે. દેવભૂમિ દ્વારકા અને સુપેડીના મંદિરમાં અમુક સામ્યતા છે.