શહેરના કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં મિત્રનું મોટરસાઇકલ બે કલાક મોડું પરત આપવા જેવી નજીવી બાબતનો ખાર રાખી ચાર શખ્સો ધોકા-છરી વડે યુવક ઉપર હિચકારો હુમલો કર્યો હતો.
બરકતીનગર શેરી નં.11 માં રહેતા ફૈજાન ઇસ્માઇલભાઇ અંસારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તે અને તેનો મોટોભાઈ હૈદર ગુલાબનગર શેરી નં.2 માં ‘KGN ચિકન શોપ’ ચલાવે છે.
ગુરુવારે રાત્રે ફૈજાન તેનો ભાઈ હૈદર અને મિત્ર આસિફ દુકાને હતા ત્યારે રાહુલ અને ઇમરાન નામના શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. આ શખ્સોએ આસિફને ગાળો આપતા કહ્યું હતું કે, “તે પરમ દિવસે મોટરસાઇકલ કેમ મોડું પરત આપ્યું હતું?” ફૈજાન અને હૈદરે ગાળો બોલવાની ના પાડતા મામલો બિચક્યો હતો.
ઉશ્કેરાયેલો ઇમરાન, રાહુલ, મહેશ અને હરેશ છરી અને લાકડા સાથે બંને ભાઈઓ ઉપર હુમલો કર્યો હતો. આરોપી હરેશે હૈદરને માથાના ભાગે બેફામ ધોકા ફટકારતાં તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. તાત્કાલિક યુવકને મધુરમ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
તબીબોના જણાવ્યા અનુસાર યુવકને ખોપરીમાં મલ્ટિપલ ફ્રેક્ચર થયા છે અને મગજમાં હેમરેજની ગંભીર અસર થઈ છે. પોલીસે ચારેય આરોપીઓ સામે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.