માવઠાના મારથી અત્યારે કપાસ, મગફળીને નુકસાન, ઘઉં, જીરાના પાકમાં પણ ઘટ આવશે

રાજકોટ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી માવઠું, વરસાદી માહોલ અને વાદળછાયું વાતાવરણ છે. આમ કારતક મહિનામાં અષાઢી માહોલ રચાયો છે. જેને કારણે હાલ રાજકોટ જિલ્લામાં પડધરી, નવાગામ, ભૂપગઢ, કુવાડવા સહિત જિલ્લાભરના ગ્રામ્ય પંથકમાં સૌથી વધુ નુકસાન મગફળી અને કપાસના પાકને થયું છે. હવે જીરું અને ઘઉંનું વાવેતર થશે. અમુક પંથકમાં તો આગોતરું વાવેતર પણ થઈ ગયું છે. તો તેને પણ નુકસાન થશે અને જ્યાં વાવેતર થશે તેમાં પણ માવઠાની અસર જોવા મળશે. જેને કારણે ઘઉં અને જીરુંના પાકમાં પણ ઘટ આવશે તેવી ભીતિ ખેડૂતો વ્યકત કરી રહ્યા છે.

એકબાજુ ગામે ગામ પાક બગાડની ફરિયાદ ઊઠી છે અને ખેડૂતો ચિંતિત છે તો બીજી તરફ જિલ્લાના ખેતીવાડી અધિકારી તૃપ્તિ પટેલ કહે છે કે, રાજકોટ જિલ્લામાં માત્ર 17 મીમી જ વરસાદ આવ્યો છે. જેમાં કોઈ નુકસાની જાય નહિ. આવા આશ્ચર્યજનક જવાબથી રાજકોટ જિલ્લાના ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે અને પડધરી તાલુકાના ખેડૂત રમેશભાઈ પટેલ સહિત જિલ્લાભરના ખેડૂતોએ પડકાર ફેંક્યો છે કે,ખેતીમાં જે નુકસાની થઈ છે તે જોવા માટે અધિકારી એસી ચેમ્બરમાંથી બહાર નીકળે અને ખેતરમાં પહોંચે તો તેને નુકસાનીનો અંદાજ આવી શકે.

ખેડૂત દિનેશભાઈ સગપરિયાના જણાવ્યાનુસાર હવે ટેકાના ભાવે ખરીદીની સિઝન શરૂ થશે. તેમાં ભેજનું પ્રમાણ પણ જોવાતું હોય છે. અત્યારે કેટલાક ખેતરોમાં મગફળીનો પાક ઊભો હોય છે તો કેટલાક ખેડૂતોએ પાક ઉપાડીને ખેતરમાં ઢગલો કરીને રાખ્યો છે. તેમાં પણ નુકસાની ગઈ છે. તેમજ જો ખેડૂતો અઠવાડિયામાં મગફળી ઉપાડે નહિ તો તે ઊગી જાય. આમ બધી જ રીતે ખેડૂતોને નુકસાની જોવા મળી રહી છે. જિલ્લાના દરેક ગામડાંમાં સરવે કરાવવો જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *