માલિયાસણમાં બે વ્યાજખોરના ત્રાસથી કંટાળી પ્રૌઢે સજોડે આપઘાત કર્યો હતો

માલિયાસણમાં છ દિવસ પૂર્વે પ્રૌઢે સજોડે કરેલા આપઘાત પાછળ બે વ્યાજખોર કારણભૂત હોવાનું બહાર આવ્યું હતું, આથી પોલીસે બે વ્યાજખોર સામે ગુનો નોંધ્યો છે.

રાજકોટમાં આરટીઓ પાછળના નરસિહનગરમાં રહેતા શોભનાબેન મનીષભાઇ વઘેરા (ઉ.વ.50)એ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રવિ ડવ અને દિનેશ ડાંગરના નામ આપ્યા હતા. શોભનાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.15ના તેમના પતિ મનીષભાઇ તથાં કાંતાબેન રાઠોડે ઘરના પંખાના હૂકમાં ફાંસો ખાઇ સજોડે આપઘાત કરી લીધો હતો.

આપઘાત પૂર્વે મનીષભાઇએ સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં મનીષભાઇએ લખ્યું હતું કે, મનીષભાઇએ રવિ ડવ પાસેથી રૂ.9 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા, જે રૂપિયા વ્યાજ સહિત ચૂકવી દીધા હોવા છતાં વધુ 3 લાખની માગ કરતા હતા, તેજ દિનેશ ડાંગર પાસેથી મનીષભાઇએ તેના મિત્ર પ્રદીપભાઇને ટ્રક અપાવ્યો હતો, જેમાં મનીષભાઇ જામીન તરીકે રહ્યા હતા.

પ્રદીપભાઇ ટ્રકના પૈસા આપી શકે તેમ નહી હોવાથી મનીષભાઇ પાસે દિનેશ ડાંગર રૂ.5 લાખ માગતો હતો અને મનીષભાઇ તેને 3 ટકા લેખે વ્યાજ પણ ચૂકવતા હતા. જે બે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી મનીષભાઇએ પગલું ભરી લીધું હતું. પોલીસે ગુનો નોંધી બંને વ્યાજખોરની શોધખોળ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *