તારીખ- 3 નવેમ્બર 1988 દિવસ- ગુરુવાર. ભારતમાં વહેલી સવારે વિદેશ મંત્રાલયના ફોનની રીંગ વાગે છે. માલદીવમાં બળવો થયો હોવાના સમાચાર હતા. લડવૈયાઓ બંદૂકો સાથે બધે ફરે છે. આ પરિસ્થિતિઓથી બચવા માટે માલદીવના રાષ્ટ્રપતિ મમૂન અબ્દુલ ગયૂમ ક્યાંક છુપાઈ ગયા છે.
વાસ્તવમાં ગય્યુમ 3જી નવેમ્બરે જ ભારત આવવાના હતા પરંતુ તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીના કેટલાક કાર્યક્રમને કારણે તેને મોકૂફ રાખવામાં આવ્યો હતો. માલદીવમાં બળવાખોરો એ જ રાહમાં હતા કે ક્યારે ગયૂમ ભારત જાય ને અહીંયા તખ્તાપલટો કરી દઈએ. આ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.
શ્રીલંકાથી પીપલ્સ લિબરેશન ઓર્ગેનાઈઝેશન ઓફ તમિલ ઈલમના સશસ્ત્ર આતંકવાદીઓ માલદીવ પહોંચ્યા હતા. જ્યારે ગયૂમની ભારત મુલાકાત મુલતવી રાખવામાં આવી ત્યારે પણ બળવાખોરોએ નક્કી કર્યું કે ભલે ગયૂમ ભારત નથી ગયા છતાં તેઓ તેમના ષડયંત્રને આગળ વધારશે.