માલતીના ઘોડિયા પાસે સતત મહામૃત્યુંજય મંત્ર વાગતો

બોલિવૂડની સાથે સાથે હોલિવૂડમાં પણ પોતાના અભિનયના જોરે ડંકો વગાડનાર પ્રિયંકા ચોપરા અવારનવાર તેના પ્રોફેશનલ અને અંગત જીવન વિશે ચાહકો સાથે માહિતી શેર કરતી રહે છે. તાજેતરમાં પ્રિયંકાએ પોતાની વહાલસોયી દીકરીના જન્મ સમયનો એક ભાવુક કિસ્સો યાદ કર્યો. પ્રિયંકાએ જણાવ્યું કે, દીકરી માલતી મેરી જોનસના જન્મનો સમય તેના માટે અંગત રીતે ખૂબ જ મુશ્કેલ અને આઘાતજનક હતો. નોંધનીય છે કે, પ્રિયંકા અને નિક જોનસ સરોગસી દ્વારા માતા-પિતા બન્યા છે.

‘દીકરીના જન્મની જાહેરાત ઉતાવળે કરવી પડી’

પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જણાવ્યું કે, તેની દીકરીના જન્મ બાદ તેને મેસેજ મળ્યો કે મીડિયામાં બાળકીના જન્મના સમાચાર આવવાના છે. તે સમયે એક્ટ્રેસ પોતે આ સમાચાર શેર કરવા માંગતી હતી, પરંતુ માહિતી લીક થવાના કારણે તેને ઉતાવળમાં ચાહકો સાથે આ વાત શેર કરવી પડી. તેણે વધુમાં જણાવ્યું કે, તે સમયે તે આ માહિતી શેર કરવા માટે તૈયાર નહોતી કારણ કે, બાળકીના સ્વાસ્થ્યને લઈને સ્થિતિ સ્પષ્ટ નહોતી.

પ્રિયંકાએ વધુમાં જણાવ્યું કે, તેની દીકરી 27 અઠવાડિયામાં જન્મી હતી અને 100 દિવસથી વધુ સમય સુધી NICU એટલે કે નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં રહી હતી. તે મુશ્કેલ સમય દરમિયાન માનસિક સહાય માટે તેણે બાળકી પાસે ધીમા અવાજમાં મહામૃત્યુંજય મંત્ર જેવા મંત્રો ચલાવ્યા હતા. પ્રિયંકાએ જણાવ્યું કે, જન્મ સમયે દીકરીની હાલત નાજુક હતી. એક્ટ્રેસે કહ્યું, ‘તે જાંબલી (રંગની) દેખાતી હતી.’

આ સમય એક્ટ્રેસ અને તેના પતિ નિક જોનાસ માટે ખૂબ જ મુશ્કેલ રહ્યો. તેણે સ્વીકાર્યું કે, આ તેમના જીવનના સૌથી પડકારજનક તબક્કાઓમાંથી એક હતો. આ સમય કોવિડ-19 મહામારી દરમિયાનનો હતો, તેથી હોસ્પિટલમાં નિયમો કડક હતા. શરૂઆતમાં મળવાની પરવાનગી મર્યાદિત હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *