મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થિની આત્મહત્યાના બનેલા કરુણ બનાવ બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનોએ ગુરુવારે મારવાડી યુનિવર્સિટી ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને કુલપતિને સંબોધીને એક આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. એબીવીપીના મહાનગર મંત્રી ભાર્ગવ ચૌહાણે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, મારવાડી યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરે છે. તારીખ 15 જાન્યુઆરીના રોજ મારવાડી યુનિવર્સિટીમાં હોસ્ટેલ ખાતે એક વિદ્યાર્થીએ આપઘાત કરી પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. જે સમગ્ર વિદ્યાર્થી જગત માટે ખૂબ જ દુઃખદ ઘટના છે.
મારવાડી યુનિવર્સિટીમાંથી રેગિંગ અને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી જેવા ઘણા બનાવો સામે આવ્યા છે. થોડા દિવસ પહેલાં ફોરેનર વિદ્યાર્થી દ્વારા પણ અભદ્ર શબ્દો દ્વારા ખરાબ વર્તણૂક કરવામાં આવી હતી. તો આવા અવારનવાર બનતા બનાવોને લઈને વિદ્યાર્થી જગતમાં એક ખરાબ છબી ઊભી થાય છે જે સમગ્ર યુનિવર્સિટી માટે તથા સમગ્ર વિદ્યાર્થી જગત માટે ખૂબ જ નિંદનીય છે. એબીવીપીએ યુનિવર્સિટીને ફેરફારો કરવા અને આવા બનાવો ના બને એ માટે નિર્ણય લેવા માંગ કરી છે.