બગદાણાના ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટીને લઈ હાસ્ય કલાકાર માયાભાઈ આહીરે કરેલી ટિપ્પણી બાદ માફી માગવામાં આવી હતી. ત્યાર બાદ આ મામલે માયાભાઈ આહીર અને તેમના પુત્ર જયદેવ આહીર સાથે ફોન પર વાતચીત કરનાર નવનીત બાલધિયા નામના યુવક પર આઠ શખોસ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ હુમલા પાછળ માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે.
હવે કોળી યુવક પર જીવલેણ હુમલો કરનાર આરોપીઓનો માયાભાઈ આહીરના પુત્ર જયરાજ સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. વીડિયો પર લખવામાં આવ્યું છે કે આ વીડિયો માયાભાઈના ફાર્મ હાઉસનો છે અને નવનીતભાઈને માર્યા એ પહેલાંનો વીડિયો હોવાનું પણ જણાવાયું છે.
તો હવે આ મામલે કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે. ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના કોળી નેતા ઋત્વિક મકવાણાએ જણાવ્યું હતું કે બે જગ્યા શંકાના દાયરામાં આવે છે. એક તો માયાભાઈને માફી માગવી પડી, એનાથી નારાજ થઈને તેમના દીકરાએ કરાવ્યું છે કે પછી કોઈ ટ્રસ્ટીમંડળે કરાવ્યું છે. આ તપાસના અંતે જ બહાર આવશે.
બગદાણામાં કોળી યુવક પર જીવલેણ હુમલાના કેસ મુદ્દે ઋત્વિક મકવાણા જણાવ્યું હતું કે બગદાણામાં સેવકોના જે 1500 જેટલાં મંડળો ચાલે છે એમાં 70-80 ટકા મંડળો કોળી સમાજનાં છે. આ લોકોની એક માગ હતી કે અમે માત્ર સેવા કરવા જ આવીએ છીએ તો તેમના સંચાલકમંડળ અને નિયામકમંડળમાં પણ તેમણે સ્થાન મળવું જોઈએ અને તેના અનુસંધાને આ ઘટના બની હોય તોય ના નથી.