રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના રાયડી ગામના સરપંચ એક માનસિક અસ્થિર યુવકને ફડાકાવાળી કરતા હોવાનો અને દોડાવી દોડાવીને મારતા હોવાનો વીડિયો વહેતો થતાં આ અંગે અનેક ચર્ચા જાગી હતી.
વીડિયોમાં જણાતું હતું કે મંદબુધ્ધિના યુવકને સરપંચે જાહેરમાં બે ચાર થપ્પડ મારી દીધી હતી અને હવે કોઇ દિવસ ગાળો બોલીશ? તેમ કહીને પણ ધમકી આપી હતી. જો કે આ અંગે સરપંચનો સંપર્ક કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે આ યુવક આંશિક માનસિક અસ્થિર છે અને તેની માતાને મારકૂટ કરતો હોય છે. આથી પંચ પાસે આ મુદો આવ્યો હતો અને તેની માતાએ સમગ્ર આપવિતી વર્ણવી હતી અને તેનો પુત્ર ધારિયું લઇને મારવા દોડ્યો હોવાનું કહેતાં અમે પંચે તેને ઠપકો આપ્યો હતો. રાયડીના સરપંચ કાંતિભાઇ રાણપરિયાએ વધુમાં જણાવ્યું હતું કે અમે આ યુવકને ચકો તરીકે ઓળખીએ છીએ, સાચું નામ તો અમને પણ ખબર નથી અને તેના પિતાનું અવસાન થયું છે. માનસિક રીતે થોડો અસ્થિર ખરો. જો કે તેને ખબર બધી પડે છે અને તે કામે પણ જાય છે. પરંતુ તાજેતરમાં તે તેની માતાને મારવા દોડ્યો આથી અમે તેેને ઠપકો આપ્યો હતો અને તેનો ખાર રાખીને રોડ પરથી પસાર થતી વખતે તેણે મારી સામે અપશબ્દો કહયા હતા. આથી મેં તેને ઠપકો આપ્યો હતો અને બેચાર લપડાક મારી તેને હવે આવું કરીશ તો પોલીસ સ્ટેશને લઇ જવો પડશે તેવી ધમકી આપી હતી. દોડાવી દોડાવીને માર્યો હોવાની વાત ઉપજાવી કાઢવામાં આવી હોવાનું તેમણે અંતમાં ઉમેર્યું હતું.