રાજકોટ શહેરમાં વધુ એક વખત સંબંધોનું ખૂન થયું છે. ગત મોડીરાત્રે ભક્તિનગર વિસ્તારમાં આવેલા હુડકો ક્વાર્ટરમાં રહેતા નરેશભાઈને તેની પત્ની અને પુત્રએ સાથે મળી છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા છે. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસની સાથે સાથ ક્રાઇમ બ્રાન્ચ અને LCB ટીમ પણ સ્થળે પહોંચી હતી. એસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ ઘટનાસ્થળે તપાસ અર્થે પહોંચ્યા હતા. હાલ પોલીસે FSLની મદદ મેળવી ભક્તિનગર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મૃતક નરેશભાઈના બેન વર્ષાબેન પંડ્યાની ફરિયાદ પરથી પત્ની અસ્મિતાબેન વ્યાસ અને પુત્ર હર્ષ વ્યાસ સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, હત્યારા માતા-પુત્ર પોલીસ સકંજામાં જ છે, જેની અટકાયત કરી પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે.
મમ્મી-પપ્પા વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં ઉશ્કેરાઈને હર્ષે પિતાને છરી ઝિંકી ફરિયાદમાં મૃતકના બહેન વર્ષાબેન રમેશભાઈ પંડયા (ઉ.વ.55)એ જણાવ્યું હતું કે, મારા ભાઈ નરેશભાઈ વ્યાસ કોઠારીયા રોડ ઉપર હુડકો કવાર્ટર નં.ડી-69માં રહેતા હતા. ગઈકાલે રાત્રીના 12.42 વાગ્યે મારા દિકરા જયના મોબાઇલ ઉપર કોઇ પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો અને તમારા ભાઇનું ઘરે ખૂન થઇ ગયું છે. તમે તાત્કાલીક આવો કહેતા હું, મારા નણંદ, મારો દિકરો તથા મારા પતિ સહિત બધા મારા ભાઈના ઘરે ગયા હતા ત્યાં પહોંચતા નરેશભાઈ ઘરમાં રૂમમાં નીચે લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યા હતા. તેને શરીરે છાતીના ભાગે તથા ડાબા હાથમાં ઇજા થઇ હતી. નરેશભાઈના દિકરા પાર્થે જણાવ્યું કે, રાત્રીના 8.30 વાગ્યાથી મમ્મી અને પપ્પા વચ્ચે ઝઘડો થયો હતો. જેથી, હર્ષે ઉશ્કેરાઈ પિતાને છરી મારી દીધી હતી.
નરેશભાઈને દારૂ પીવાની ટેવ હોવાથી અવારનવાર ઘરમાં ઝઘડા થતા હતા તેમને વધુમાં જણાવ્યું હતું કે, ભાભી સ્મીતાબેન તથા ભત્રીજા હર્ષે સાથે મળી મારા ભાઇ નરેશભાઈને છરી મારી અને તેમનું મોત નિપજાવ્યું છે જેથી તેના વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. નરેશભાઈ હોલસેલમાં પગના મોજા વેચવાનો ધંધો કરતા હતા. નરેશભાઈને દારૂ પીવાની ટેવ હોવાથી અવારનવાર ઘરમાં ઝઘડા થતા હતા. આ ઘર કંકાશના કારણે ગઈકાલે ઝઘડો થતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો.