માતાને મામાના ઘરે તેડવા ગયેલા 14 વર્ષના પુત્રનું અકસ્માતમાં મોત

ચોટીલા પંથકમાં આવેલા ઝીંઝુડા ગામના સગીરનું ચુડા મામાના ઘરે ગયેલા માતાને બાઈક લઈને તેડવા જતી વેળાએ ચોટીલામાં મયૂર હોટેલ પાસે અન્ય બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઇજા પામેલા સગીરનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચે તે પૂર્વે જ મોત નીપજ્યું છે. 14 વર્ષના સગીરને બાઇક ચલાવવા આપનાર વિરુદ્ધ ચોટીલા પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં આવેલા ઝીંઝુડા ગામે રહેતા દિલીપભાઈ ગાભાના પુત્ર અક્ષય ગાભા(ઉં.વ.14)નું ગઈ કાલે સાંજે સાતેક વાગ્યા આસપાસ સગીર જ્યારે બાઇક લઇને જતો હતો, ત્યારે ચોટીલામાં આવેલી મયૂર હોટેલની પાસે અજાણ્યા બાઇકચાલક સાથે સગીરની બાઇકનું અકસ્માત સર્જાતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી.

ગંભીર રીતે ઇજાગ્રસ્ત સ્થિતિમાં સગીરને ચોટીલા બાદ રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર લીધા પૂર્વે જ સગીરનું દર્દનાક મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી. ચોટીલા પોલીસ મથકના જમાદાર રામભાઈએ મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ પૂછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *