સુરતમાં ડોગ લવરનું એક હૃદયસ્પર્શી ઉદાહરણ જોવા મળ્યું છે, જ્યાં ભટાર વિસ્તારમાં બખીયા પરિવારે તેમના લાડકવાયા શ્વાન ‘શેરૂ’ના નિધન પર તેને મનુષ્યની જેમ સન્માનપૂર્વક અંતિમ વિદાય આપી હતી. માલિકના ખોળામાં જ અંતિમ શ્વાસ લેનારા શેરૂના વિયોગમાં પરિવારની આંખો છલકાઈ આવી હતી અને બહેનોએ તેને છેલ્લી રાખડી બાંધી ભાવુક વિદાય આપી હતી.
કહેવાય છે કે, પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચેનો પ્રેમ શબ્દોનો મહોતાજ નથી હોતો. આ એક એવી ઘટના બની છે જેણે સાબિત કરી દીધું કે વફાદારી અને પ્રેમમાં પ્રાણી પણ પરિવારનો અવિભાજ્ય અંગ બની શકે છે. બખીયા પરિવારે તેમના 11 વર્ષ જૂના સાથી ‘શેરૂ’ના નિધન બાદ મનુષ્યની જેમ જ તેની અંતિમવિધિ કરી સમાજમાં અનોખો દાખલો બેસાડ્યો છે.
આજથી 11 વર્ષ પહેલાં જર્મન શેફર્ડ બ્રીડનો માત્ર 10 દિવસનો નાનકડો ‘શેરૂ’ બખીયા પરિવારમાં આવ્યો હતો. પરિવારના સભ્યોએ તેને પ્રાણી નહીં પણ ઘરના સભ્ય તરીકે અપનાવ્યો હતો. ધીરે ધીરે શેરૂ આખા પરિવારનો લાડકો બની ગયો. તેની લોકપ્રિયતા એટલી હતી કે આખી સોસાયટીમાં આ પરિવાર પોતાના નામથી નહીં, પણ “શેરૂ વાળું ઘર” તરીકે ઓળખાવા લાગ્યું હતું.