માઉન્ટ આબુમાં મેદાનો-વાહનો પર બરફનાં થર

ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદ બાદ નવા વર્ષની શરૂઆતથી જ ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યભરમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. ગુજરાતમાં 8 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. તો રાજકોટ 9.4 ડિગ્રી તાપમાન સાથે બીજા નંબર પર છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તરપૂર્વથી પૂર્વ દિશા તરફ પવન ફૂંકાતા ઠંડીનું જોર વધ્યું છે. આગામી દિવસોમાં ગુજરાતમાં તાપમાનનો પારો હજુ પણ બેથી ત્રણ ડિગ્રી ગગડી શકે છે.

ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ 3 ડિગ્રીએ પહોંચ્યું છે. અહીં લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલમાં મેદાનો અને વાહનો પર બરફની થર જામી ગઈ છે. પક્ષીઓ માટે ઘરની બહાર રાખેલા પાણીના કુંડા પણ થીજી ગયા છે અને ઝાકળના ટીપાં બરફમાં ફેરવાઈ ગયા છે. તીવ્ર ઠંડીને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. તો બીજી તરફ પ્રવાસીઓ કડકડતી ઠંડીમાં પણ મોજ માણતા નજરે પડ્યાં હતાં.

હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે, ગુજરાતમાં સૌથી ઠંડુગાર શહેર નલિયા નોંધાયું છે. નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ ડીસામાં પણ તાપમાનનો પારો ગગડીને 10.8 ડિગ્રીએ પહોંચ્યો છે. હાલમાં ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે, તેની સીધી અસર ગુજરાતના હવામાન પર જોવા મળી રહી છે. ઉત્તરપૂર્વથી પૂર્વ દિશા તરફ પવન ફૂંકાઈ રહ્યા છે, તેના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક શહેરમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. તેમજ હજુ પણ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીના ઘટાડાની પણ આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *