માંડા ડુંગર પાસે કામદાર યુનિયનનાં સભ્યો દ્વારા સફાઈ કરીને ન્યાય આપવાની માગ

રાજકોટ કામદાર યુનિયન દ્વારા મહાનગરપાલિકામાં પ્રવર્તતી કોન્ટ્રાક્ટ પ્રથામાં થતા વ્યાપક કૌભાંડો અને ગેરરીતિઓ સામે હવે સફાઈ સાથે વિરોધ પ્રદર્શનનું અનોખું આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. વોર્ડ નં. 6B, માંડા ડુંગર વિસ્તારથી શરૂ થયેલા આ આંદોલનમાં યુનિયનના તમામ આગેવાનો અને સમર્પિત કામદારોએ રસ્તા ઉપર ઉતરીને પોતાના હક્ક માટે અવાજ ઉઠાવ્યો હતો. આ કામદારોએ ‘જય ભીમ’નો ખેસ પહેરીને સફાઈ કરી હતી અને કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરી જીવનાં જોખમે કામ કરતા સફાઈ કામદારોને કાયમી કરવા માંગ કરી હતી

યુનિયનના પ્રમુખ પારસ બેડિયા અને આગેવાન ટીમે માત્ર નારા લગાવવાની પરંપરાગત રીતને બદલે એક પાયાનું કાર્ય કરીને પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો. આ દરમિયાન તેમણે વોર્ડ નં. 6/Bના માંડા ડુંગર વિસ્તારમાં પોતે જમીન પર ઉતરીને સફાઈ કામ કર્યું હતું. આ ક્રિયા દ્વારા તેમણે સામાન્ય નાગરિકો સમક્ષ કડવી વાસ્તવિકતા મૂકી કે રોજના સફાઈ કામદારો કઈ રીતે ન્યૂનતમ સન્માન અને અધિકારો વિના પણ આકરી મહેનત કરીને શહેરને સ્વચ્છ રાખે છે. આ પ્રદર્શનનો ઉદ્દેશ તેમની રોજીંદી વેદના અને જીવનની મુશ્કેલીઓ લોકોને સ્પષ્ટ રીતે દર્શાવવાનો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *