માંડાડુંગર દેવકીનંદન સોસાયટીમાંથી 12.520 કિ.ગ્રા. ગાંજા સાથે 1ની ધરપકડ

શહેરના માંડાડુંગર વિસ્તારમાં આવેલ દેવકીનંદન સોસાયટીમાંથી 12.520 કિ.ગ્રા. ગાંજા જથ્થા સાથે પોલીસે એક શખ્સને દબોચી લીધો હતો. તપાસમાં આ જથ્થો પકડાયેલ આરોપીનો પુત્ર લઈ આવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ફરાર યુવકને ઝડપી લેવા તપાસનો ધમધમાટ આદર્યો છે.

આ બનાવમાં આજીડેમ ચોકડી પાસે માંડાડુંગર નજીક દેવકીનંદન સોસાયટીમાં રહેતો વકીલસિંહ રામદરસસિંહએ પોતાના રહેણાક મકાનમાં ગાંજાનો જથ્થો રાખ્યો હોવાની બાતમી આજીડેમ પોલીસને પ્રાપ્ત થતા પીઆઈ એ.બી.જાડેજા તેમજ પીએસઆઇ જે.જી. રાણાના માર્ગદર્શન હેઠળ ટીમે દરોડો પાડ્યો હતો.

આરોપીના મકાનની તલાસી લેતા એક રૂમમાં રાખેલ શંકાસ્પદ સૂકા પાંદડા જેવો પદાર્થ મળી આવ્યો હતો. જે પદાર્થનું પરીક્ષણ કરતા ગાંજો હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસે આ ગાંજાનો વજન કરતા 12.520 કિલોગ્રામ જેની કિંમત 1.25 લાખ હોવાનું ખુલ્યું હતું.

પોલીસે ગાંજો કબજે કરી આરોપી વકીલસિંહની ધરપકડ કરી હતી. પોલીસસૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર આરોપી વકીલસિંહ મૂળ બિહારનો વતની હતો અને અહીં રહી શાકભાજીનો વ્યવસાય કરતો હતો. ત્યારે પૂછપરછમાં તેણે આ જથ્થો તેનો પુત્ર પ્રિન્સ લાવ્યો હોય તેવું રટણ કર્યું હતું. પોલીસે ગાંજાના કેસમાં ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *