શહેરમાં મિલકત વિરોધી ગુનાઓ અને વાહન ચોરીના વણઉકેલાયેલા કેસ ઉકેલવા ક્રાઈમ બ્રાન્ચે કમર કસી છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. એમ.આર.ગોંડલિયા અને તેમની ટીમે બાતમીના આધારે શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી વાહન ચોરી કરતા બે શખ્સને કુલ 10 મોટરસાઇકલ સાથે દબોચી લીધા છે.
ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસને મળેલી ચોક્કસ હકીકતને આધારે બે શંકાસ્પદ શખ્સને અટકાવવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોતાનું નામ રાહુલભાઈ ધીરૂભાઈ પરમાર(રહે. માંડાડુંગર) અને ગોપાલભાઈ ઉર્ફે રોહિત રમેશભાઈ માલકિયા(રહે. ગઢીવાડ શેરી નં. 01) હોવાનું જણાવ્યું હતું. આરોપીઓની કડક પૂછપરછમાં તેઓએ રાજકોટ શહેરના આજી ડેમ, ભક્તિનગર, થોરાળા અને બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાઈક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.2.20 લાખની કિંમતના 10 મોટરસાઇકલ રિકવર કર્યા છે. જેમાં મોટેભાગે હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ અને સીડી ડિલક્સ જેવા લોકપ્રિય મોડેલોનો સમાવેશ થાય છે. આ વાહનો પરથી નંબર પ્લેટ કાઢી નાખીને આરોપીઓ ગુનાને અંજામ આપતા હતા. આરોપીઓ વિરુદ્ધ રાજકોટના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 8 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.