મહીકા ગામમા પતિએ શંકા કરી પત્નીને જાહેરમાં છરીના ઘા મારી દીધા

મહીકામાં પતિએ શંકા કરી પત્નીને છરીના ઘા ઝીક્યાં હતા. રાત્રે 11 વાગ્યે અરુણા સોલંકીને ઘરેથી રિક્ષામાં બેસાડી પતિ મહેશ મહિકા પાટીયા પાસે લાવ્યો હતો અને ત્યાં દીયર સંજય અને તેની સાથે અજાણ્યા માણસો પણ હતા. બધાએ મળીને માર માર્યો હોવાનો આક્ષેપ છે.આ અંગે મળતી વિગત મુજબ, ગત મોડી રાત્રે 12 વાગ્યાં આસપાસ અરુણા મહેશભાઈ સોલંકી (ઉંમર વર્ષ 35, રહે. રાધિકા સોસાયટી, મહીકા પાટીયા પાસે, રાજકોટ)ને લોહી લુહાણ હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેનો પતિ અવારનવાર શંકા કરીને ત્રાસ આપતો હોવાથી તેણી પોતે પોતાના 12 વર્ષ દીકરા અને 3 વર્ષની દીકરીને લઈ પોતાના મવડીના અંકુર સ્કૂલ રોડ પર મધુરમ-2માં રહેતા પોતાના પિતા ચંદુભાઈ સોલંકીના ઘરે માવતર એ રહેવા જતી રહી હતી.

એક મહિના પહેલા પતિ તેડવા આવતા પોતે પરત પતિ સાથે રહેવા મહિકા પાટીયા પાસે આવેલ રાધિકા સોસાયટીમાં આવી હતી. પતિ મહેશ ખેતી કામ કરે છે. ગઈકાલે રાત્રે અરુણા પોતાના માતા પાંચીબેન સાથે ફોનમાં વાત કરતી હતી ત્યારે પતિએ કહ્યું હતું કે તારે તારાં માતા સાથે વાત કરવાની નથી. આ બાબતે બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.જેથી મહેશે કહ્યું કે હાલ તને હું તારા માવતરે મૂકી જાવ. જેથી અરુણા બંને સંતાનોને લઈ પતિની રિક્ષામાં બેસી ગઈ હતી. આશરે 11:00 વાગ્યા આસપાસ મહીકા પાટીયે આવી પતિએ રીક્ષા ઉભી રાખી દીધી હતી.

થોડી વારમાં જ અરુણાનો દિયર સંજય અને તેની સાથે અન્ય લોકો રીક્ષા પાસે આવ્યા હતા. મહેશે ફરી અરુણા સાથે ઝઘડો કર્યો હતો. અહીં હાજર સંજય અને તેની સાથેના લોકો પણ ઝઘડો કરવા લાગ્યા હતા. અરુણાને ઢીંકા પાટુનો માર માર્યો હતો અને પેટમાં અને હાથમાં છરી ઝીંકી દીધી હતી. લોહીલુહાણ હાલતમાં અરુણાને રોડ ઉપર જ મૂકી બધા ફરાર થઈ ગયા હતા. રાહદારીઓએ 108 માં ફોન કરી અરુણાને સિવિલ હોસ્પિટલે ખસેડી હતી. અરુણાના લગ્ન 13 વર્ષ પહેલા થયા હતા. તેમને સંતાનમાં એક દીકરો એક દીકરી છે. તેમના સાસુ સસરાથી અલગ રહે છે. પતિ શંકા કરતો હોય અગાઉ બે વર્ષ અરુણા રિસામણે પિયર રહી હતી. અરુણાનો આક્ષેપ છે કે તેના પતિએ ગઈકાલે કહ્યું હતું કે, મારે હવે તું જોતી નથી. મારે તારી સાથે છૂટાછેડા લઈ લેવા છે. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *