મહિલા હોકર્સ ઝોનમાં હવે શેડ અને શૌચાલય બનશે

રાજકોટ મહાનગરપાલિકામાં અધુરા કામ કરી ઝડપી લોકાર્પણ કરવાના અનેક પ્રોજેકટો સામે આવી ચુક્યા છે. રાજકોટનાં કાલાવડ રોડ પરનાં મહિલા હોકર્સ ઝોનમાં પણ આવું જ બન્યું હતું. ગત જાન્યુઆરીમાં માત્ર ચાર દિવાલ અને 18 થડા બનાવીને આ હોકર્સ ઝોન ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે ત્યાં શેડ અને શૌચાલયની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નહોતી. જેને લઈ હોકર્સ ઝોન છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ હતો. હવે મનપા દ્વારા રૂ. 3.57 લાખના ખર્ચે બનેલા આ હોકર્સ ઝોનમાં રૂ. 8 લાખનાં ખર્ચે શેડ અને શૌચાલય બનાવવા કામગીરી શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ ગત જાન્યુઆરી માસમાં હોકર્સ ઝોન શરૂ કરીને તેને ક્રાફ્ટ બજારના નામે શરૂ કરાયો હતો. સ્વસહાયના ગ્રુપો ચલાવતી મહિલાઓએ થડા માટે નોંધણી કરાવી હતી. આ હાટ તા.6જાન્યુઆરીમાં ક્રાફટ બજાર ભરીને ચાલુ કરી દેવામાં આવી હતી. પણ અહીં સુવિધાઓ ન હોવાથી મહિલા સદસ્યો નારાજ થયા હતા. વધારાની સુવિધાઓ આપવા માટે માગણી કરવામાં આવી હતી. આ હોકર્સ ઝોન માત્ર ચાર દિવાલ અને થડાબનાવીને સુપ્રત કરી દેવાતા તાળા મારવાની સ્થિતિ ઉભી થઈ હતી.

ગતતા. 6થી 8 જાન્યુઆરી દરમિયાન ક્રાફટ બજાર ભરાયેલું જેમાં 28 મહિલા જૂથોએ ભાગ લીધો હતો. આ મહિલાઓનો રૂ. 26 લાખનો માલ પણ વેચાયો હતો. અને મહિલાઓને કમાણી પણ થઈ હતી. તહેવારોમાં ક્રાફટ બજારમાં ભીડ પણ થતી હોય છે. પ્રદર્શન કમ સેલ યોજીને મહિલાઓ સ્વસહાય જૂથો કમાણી થાય તેવા પ્રયાસો થાય છે. ગ્રામ હાટની જેમ શહેરની મહિલાઓ પણ સ્વરોજગારી મેળવી શકે તે માટે આ ક્રાફટ બજાર શરૂ કરવામા આવ્યું હતું. જોકે સુવિધાનાં અભાવે અહીં મહિલાઓએ બેસવાનું બંધ કરી દીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *