રાજકોટ શહેરમાં તાજેતરમાં 181 અભયમ હેલ્પલાઇન પર એક પીડિત મહિલાએ ફોન કરી જણાવ્યું હતું કે, હું રાજકોટ શહેરમાં રહું છુ. સવારે એક અજાણ્યા વ્યક્તિએ મારી છેડતી કરી છે. તેથી મારે તાત્કાલિક મદદની જરૂર છે. પીડિત મહીલાનો ફોન આવતાની સાથે રાજકોટ 181 અભયમ હેલ્પલાઇન ટીમના કાઉન્સેલર સુમિતાબેન પરમાર, કોન્સ્ટેબલ શિલ્પાબેન અને પાયલોટ દર્શિતભાઈ તાત્કાલિક પીડિત મહિલાની મદદ માટે રવાના થયા હતા. ઘટનાસ્થળ પર પહોંચીને પીડિત મહિલાનું કાઉન્સેલિંગ કરી તેમને આશ્વાસન આપ્યા બાદ તેમની સાથે બનેલ ઘટનાની માહિતી મેળવી હતી. પીડિતા મહીલાએ જણાવ્યું હતું કે, તે સવારે તેમના ઘરની શેરીમાં આવેલ નજીકની દુકાન પર દૂધ લેવા માટે ગયેલા ત્યારે દુકાન પર એક અજાણ્યો પુરુષ આવી અને આજુબાજુ કોઈ ન હોવાનો ફાયદો ઉઠાવી મારી સાથે શારીરિક અડપલા કર્યા હતા.
મહિલાએ અજાણ્યા પુરુષનો વિરોધ કરીને થપ્પડ મારી દૂર ભગાડવા પ્રયાસ કર્યો હતો ત્યારે એ અજાણ્યા પુરુષે પીડિતાને ધમકી આપતાં કહ્યું હતું કે, હવે હું તને રાજકોટમાં રહેવા નહીં દઉં અને રોજ તને આ જ રીતે હેરાન કરીશ. જે બાદ અભયમ ટીમે સૌ પ્રથમ સી.સી.ટી.વી. ચેક કરી અડપલા કરનાર વ્યક્તિને ઓળખી કડક ભાષામાં કાયદાકીય પાઠ ભણાવી સમગ્ર મામલાની જાણ 112 જનરક્ષક ટીમને કરી હતી. જનરક્ષક ટીમે તાત્કાલિક ધટના સ્થળે આવી આરોપી વ્યકિતની ધરપકડ કરી હતી. મહિલાને ન્યાય મળી રહે ને હેરાન કરનાર વ્યક્તિને કાયદાનું ભાન કરાવવા માટે મહિલાની પરવાનગીથી કેસ નજીકના પોલીસ સ્ટેશન રિફર કરવામાં આવેલ છે.