શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી મહિલાને સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચય થયા બાદ મિત્રતા કેળવાતા તે શખ્સ અને તેની પત્નીને પોતાના ઘરમાં આશરો આપ્યો, પરંતુ મહિલાના ભોળપણનો લાભ ઉઠાવી રોકડ અને સોનાના દાગીના મળી કુલ રૂ.2.46 લાખની મતા લઇ નાસી ગયા હતા
રેલનગરમાં ગુલમહલર પ્લાઝામાં રહેતા ભૂમિબેન ધવલભાઇ પૂજારા (ઉ.વ.32)એ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાવિન હર્ષદ રાયચુરાનું નામ આપ્યું હતું. ભૂમિબેને ફરિયાદમાં જણાવ્યું કે, છ મહિના પહેલાં હર્ષદ રાયચુરા સાથે સોશિયલ મીડિયાથી પરિચય થયો હતો અને મિત્રતા કેળવી હતી,
ત્યારબાદ હર્ષદે કહ્યું હતું કે, મેટોડાની કંપનીમાં કામ મળ્યું છે જેથી રાજકોટ આવવાનું છે અને રાજકોટમાં કોઇ ઓળખતું નથી જેથી તમારા ઘરે એકાદ મહિનો રોકાવવું પડશે. ભૂમિબેને મિત્ર ભાવિન અને તેના પત્નીને પોતાના ઘરે ત્રણ મહિના આશરો આપ્યો હતો,
ત્યારબાદ ભાવિન પોતાને પગારમાં થોડા દિવસ લાગશે તેમ કહી પૈસા લેતો હતો, અન્ય જગ્યાએ નાણાં રોકાયા છે તેમ કહી ભૂમિબેન, તેના પતિ અને તેના ભાઇ પાસેથી રોકડ પડાવતો ગયો હતો
એટલું જ નહીં ભૂમિબેનની પાસે રહેલા તેના મંગલસૂત્ર સહિત સોનાના દાગીના સાચવવાના બહાને લઇ લીધા હતા અને ત્યારબાદ ભાવિન તેની પત્ની સાથે જતો રહ્યો હતો અને ભૂમિબેનને ફોનમાં સરખો જવાબ પણ દેતો નહોતો. પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી ભાવિન રાયચુરાની શોધખોળ શરૂ કરી હતી.