રાજકોટ મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા 15 દિવસથી ત્રણેય પોર્ટલના કારણે અરાજકતા સર્જાઈ છે. કેન્દ્ર સરકારના નવા પોર્ટલ પર ડેટા અપલોડ ન થતાં અને રાજ્ય સરકારના પોર્ટલમાં સુધારા ન થતાં દાખલાઓ કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. સમસ્યાના સમાધાન માટે, મહાપાલિકાએ જુદા-જુદા કામો માટે ત્રણ પોર્ટલને વારાફરતી વાપરવાનું શરૂ કર્યું છે, જેના કારણે અરજદારોને બે-બે દિવસના વારા કાઢીને કામ કરાવવું પડી રહ્યું છે. નવો નિયમ અમલમાં આવતા, હવે સોમ અને મંગળવારે 2020 પહેલાના ડેટાનું કામ થશે. બુધ અને ગુરુવારે 2020થી 2025 સુધીના ડેટાબેઝનું કામ કરવામાં આવશે. જ્યારે શુક્ર અને શનિવારે કેન્દ્ર સરકારના નવા પોર્ટલ પર 2025 પછીની જન્મ-મરણની નોંધણીના કામ થશે. આ વ્યવસ્થાથી અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આશા છે કે આ સમસ્યાનું ઝડપી નિવારણ આવશે.
અન્ય સમાચાર રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કામદારોને પોતાના વારસદારને નોકરી આપવાનો નિયમ અમલમાં છે, જેના માટે સિવિલ હોસ્પિટલમાંથી મેડિકલ સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત છે. કોરોનાકાળ બાદ સર્ટિફિકેટ મેળવવામાં મુશ્કેલી પડતાં 156 જેટલા સફાઈ કામદારોની ફાઇલ અટવાઈ હતી. આ બાબતને લઈ વાલ્મીકિ સમાજ અને કમિટી દ્વારા ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા સાથે સિવિલ હોસ્પિટલના અધિક્ષકને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે સફાઈ કામદાર આયોગના ચેરમેન વેંકટેશ અને સદસ્યા અંજના પવારજીએ પણ અગાઉ આ મુદ્દે મીટિંગ કરી હતી, છતાં પ્રશ્નનો ઉકેલ આવ્યો નહોતો. રજૂઆત બાદ સિવિલ અધિક્ષક દ્વારા દૈનિક 30 જેટલી અરજીઓનો નિકાલ કરવા આદેશ આપવામાં આવ્યા છે. જેને લઈને અટવાયેલા સફાઈ કામદારોને મોટી રાહત મળશે અને તેમના વારસદારોને નોકરી મળવાનો માર્ગ મોકળો થશે.