રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી પાસેથી નાણાકીય સત્તા છીનવી લેવાતા મનપા તંત્રમાં સોપો પડી ગયો હતો. વકાણી સામે છેલ્લા કેટલાક સમયથી ફરિયાદો ઊઠી હતી અને તેના પગલે કમિશનરે હુકમ કર્યો હતો.
મનપા કમિશનર તુષાર સુમેરાએ તા.19ને સોમવારે એક હુકમ કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે, રાજકોટ મનપાની આરોગ્ય શાખાના હસ્તક જુદા-જુદા વોર્ડમાં આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે અને શહેરના લોકોની અારોગ્ય વિષયક પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. વહીવટી સરળતા ખાતર આરોગ્ય શાખાની રોજબરોજની કામગીરીની દેખરેખ નાયબ કલેક્ટર-મધ્યાહ્ન ભોજન કીર્તન રાઠોડને વધારાની કામગીરી તરીકે સોંપવામાં આવે છે તેમજ આરોગ્ય શાખાની તમામ નાણાકીય બાબતોની વિગતો નાયબ કમિશનર આરોગ્યના ધ્યાને મૂકવાની રહેશે. કમિશનના હુકમથી મનપામાં સન્નાટો છવાઇ ગયો હતો.
મનપાના સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી પોતાની ઇચ્છા મુજબ કામગીરી કરતા હતા. તેઓ નગરસેવકોની રજૂઆતો ધ્યાને લેતા નહોતા અને ચોક્કસ વહીવટના કામમાં તેમની માસ્ટરીથી તેમનો વિરોધ વધ્યો હતો અનેક કોર્પોરેટરની રજૂઆત બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કમિશનર સુમેરાને પત્ર લખી વકાણીની પાંખ કાપવા માટે ભલામણ કર્યાનું ચર્ચાઇ રહ્યું છે અને અંતે વકાણી પાસેથી તમામ નાણાકીય સત્તા છીનવી લેવામાં આવી હતી. મહાનગરપાલિકાના વર્તુળોમાં એવી પણ ચર્ચા થઇ રહી છે કે, અમદાવાદ, વડોદરા અને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ફૂડ ચેકિંગમાં જતા નથી, ફૂડ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ આ કામગીરી કરતી હોય છે, પરંતુ ડો.વકાણી પોતે આવા દરોડાને લીડ કરે છે અને જેનાથી વેપારીઓમાં પોતાનો હાવ ઊભો કરે છે બાદમાં ચોક્કસ વહીવટ શરૂ થઇ જાય છે, અન્ય શહેરના આરોગ્ય અધિકારીઓ આવી કામગીરી નથી કરતાં ત્યારે ડો.વકાણીની આવી ફરજ નિષ્ઠા શંકાના દાયરામાં છે અને તે બાબતે પણ સત્તાધીશો અને કમિશનરે ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ તેવી પણ વાતો શરૂ થઇ હતી.