રાજકોટમાં શરૂ થયેલી અત્યાધુનિક સાયબર ક્રાઇમ લેબને કારણે સાયબર ફ્રોડના ગુનાનો ભેદ તો ઉકેલાશે જ સાથો સાથ આવા ગુના બનતા અટકાવી પણ શકાશે અને તેના ભાગરૂપે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટશને વધુ એક માહિતી લોકો માટે પ્રસિધ્ધ કરી છે, કુંભના મેળામાં જનારા લોકો હાલમાં હોટેલ, ગેસ્ટહાઉસ સહિતની માહિતી ઓનલાઇન ચકાસી રહ્યા હોય છે અને અોનલાઇન બુક પણ કરી રહ્યા છે ત્યારે સાયબર ગઠિયાઓ નકલી સાઇટ બનાવી લોકોને છેતરવા સજ્જ બન્યાનું તપાસમાં ખુલ્યું હતું.
રાજકોટની સાયબર સેન્ટિનલ્સ લેબના ઇન્સપેક્ટર એન.એચ.નિમાવતની યાદીમાં જણાવાયું હતું કે, ઉત્તરપ્રદેશમાં 13મી જાન્યુઆરીથી મહાકુંભની શરૂઆત થઇ રહી છે, આસ્થાની ડૂબકી લગાવવા કરોડો લોકો પ્રયાગરાજ જવાના છે અને પ્રયાગરાજ જઇ રહેલા લોકો ત્યાં સારી હોટેલ, ગેસ્ટહાઉસ સહિતની સવલતો મળી રહે તે માટે અગાઉથી ઓનલાઇન બુકિંગ પણ કરી રહ્યા છે. હાલમાં મહાકુંભ પ્રયાગરાજ નજીકના સ્થળોએ કઇ હોટેલ છે, શું ભાવતાલ છે તે સહિતની માહિતી લોકો ઓનલાઇન વિશેષ પ્રમાણમાં સર્ચ કરી રહ્યા છે, ત્યારે સાયબર ગઠિયાઓ પ્રયાગરાજ નજીકના સ્થળોની હોટેલની માહિતી આપતી નકલી સાઇટ બનાવી લોકોના ઓનલાઇન બુકિંગ કરી છેતરપિંડી અાચરી શકે તેવી દહેશત છે. પીઅાઇ નિમાવતે જણાવ્યું કે, સરકારની સત્તાવાર વેબસાઇટનો ઉપયોગ કરવો જોઇએ જેમાં હોટેલ, ગેસ્ટહાઉસ સહિતની વિગતો છે.