આવા મહાકાય અજગરો ગીચ જંગલ વિસ્તારમાં જોવા મળતા હોય છે, પરંતુ ખોરાકની શોધમાં અજગરો જંગલ બહાર નીકળી આવે છે અને ક્યારેક અકસ્માતનો ભોગ બનતા હોય છે. આ ઘટનામાં પણ કંઈક આવું જ બન્યું છે. તાલાલા તાલુકાના ગાભા ગામે 90 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયેલા 15 ફૂટ લાંબા મહાકાય અજગરને વન વિભાગની રેસ્કયૂ ટીમ દ્વારા સલામત રેસ્ક્યૂ કરી જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો
આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર, તાલાલા તાલુકાના ગાભા ગામે ગતમોડી રાત્રે પરબતભાઈ સામતભાઈ વાઘની માલિકીની જમીનમાં આવેલા GHCL કંપનીની માઇન્સના કૂવામાં એક અજગર પડી ગયો હતો. આ અંગેની જાણ પરબતભાઈ સામતભાઈને થતાં તેમણે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી, જેથી તાલાલા રેન્જ ફોરેસ્ટર ખેર તેમજ વનપાલ પ્રવીણભાઈ વાળા, ગાર્ડ એસ.બી.પરમાર તેમજ સ્નેક સ્કેચર ઉમરભાઈ સહિતની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એ બાદ વન વિભાગની ટીમ દ્વારા અંદાજે 90 ફૂટ ઊંડા કૂવામાંથી 15 ફૂટ લાંબા મહાકાય અજગરનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. રેસ્કયૂ કર્યા બાદ આ મહાકાય અજગરને જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરી દેવામાં આવ્યો હતો.